Gujarat

ભાદરણના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને જુવેનાઈલ બોર્ડમાં રજૂ કરાયા

By GS TEAM
3 Dec 20252 mins read
ભાદરણના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને જુવેનાઈલ બોર્ડમાં રજૂ કરાયા

- અન્ય 4 જેટલા વિદ્યાર્થીઓની પણ મદદગારી હોવાનું ખૂલ્યું 

- જુવેનાઈલ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવશે, વિદ્યાર્થીઓને અલગ અલગ સ્થળની હોસ્ટેલમાં શિફ્ટ કરાય તેવી શક્યતા 

આણંદ : ભાદરણ પંથકમાં આવેલ એક શૈક્ષણિક સંસ્થાની હોસ્ટેલમાં ધોરણ ૮ના બે વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ ૬ના વિદ્યાર્થીને ધમકી આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના બનાવમાં અન્ય ચાર જેટલા વિદ્યાર્થીઓની મદદગારી હોવાનું ખુલ્યા બાદ આ તમામને જુવેનાઇલ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

ભાદરણ પંથકની એક ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થામાં થોડા દિવસ અગાઉ હોસ્ટેલમાં રહેતા ધોરણ ૮ના બે વિદ્યાર્થીઓએ અન્ય ચાર વિદ્યાર્થીઓની મદદથી ધોરણ ૬ના એક વિદ્યાર્થીને લાલચ અને ધમકી આપી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુંં હોવાની ઘટના બહાર આવી હતી. પીડિત વિદ્યાર્થીને ગુપ્ત ભાગે અસહ્ય દુખાવો થતાં તેણે વર્ગ શિક્ષકને જાણ કરતા વર્ગ શિક્ષકે વિદ્યાર્થીના વાલીને બોલાવી સમગ્ર હકીકત જણાવતા આખરે મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. પોલીસે આવું કૃત્ય કરનાર વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધ્યો હતો.

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ધોરણ ૮ના બે વિદ્યાર્થીઓની સાથે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા ધોરણ ૮ અને ધોરણ ૭ના અન્ય ચાર વિદ્યાર્થીઓની પણ મદદગારી હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર મામલે તપાસ કરી રહેલ એસસી, એસટી સેલના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ કૃત્યમાં ૬ વિદ્યાર્થીઓ સંડોવાયેલા હોવાનું જણાયું છે અને તમામને જુવેનાઇલ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ તમામ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં જ રહેતા હોવાથી તેમના ભવિષ્યને ધ્યાનમાં લઇ વિદ્યાર્થીઓને અલગ અલગ સ્થળે આવેલી અન્ય હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.