પૈસા ફેંકો અને મંજૂરી ન હોય તો પણ વિદ્યાર્થી લઈ જાવ! : ભાજપના અમુક હોદ્દેદારોએ જ યુનિવર્સિટીનો કારભાર હસ્તગત કરી લીધો હતો અને સત્તાધીશો વચેટિયાની ભૂમિકામાં આવી ગયા હતા
જૂનાગઢ, : ઉના તાલુકાના ભાચા ગામની બી.એડ. કોલેજને બોગસ લેટરના આધારે વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા તે સમયે મંજૂરી ન હોય તો પણ 'પૈસા ફેંકો અને વિદ્યાર્થીઓ લઈ જાવ' જેવી હાલત હતી એવું કળી શકાય છે. યુનિવર્સિટીમાં રાજકીય હસ્તક્ષેપ અને દબાણ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં માટે કારણભૂત બન્યા હતા. ભાજપના અમુક હોદ્દેદારોએ જાણે યુનિવર્સિટીનો કારભાર હસ્તગત કરી લીધો હતો અને ગુનો દાખલ થતા જેને રેલો આવે તેમ છે તેમણે ભલામણો માટે આકાઓ સમક્ષ કાકલુદી શરૂ કર્યાનું જાણવા મળ્યું છે.
ભાચાની વી.બી. નાંડોળા બીએડ કોલેજના જે તે સમયના સંચાલકો અને પ્રિન્સિપાલે એનસીટીઈ દિલ્હીની મંજુરી ન હતી છતાં તેનો બોગસ લેટર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં રજૂ કરી જોડાણ મેળવી લીધુ હતું અને તેના આધારે યુનિવર્સિટી દ્વારા આ બોગસ કોલેજમાં વિદ્યાર્થીઓની ફાળવણી કરવામાં આવી હતી. આ બાબત સામે આવતાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વી.બી. નાંડોળા કોલેજના સંચાલકો અને પ્રિન્સિપાલ તેમજ બોગસ લેટર બનાવનાર સામે ફરિયાદ નોંધાવી છે.
યુનિવર્સિટી દ્વારા આ કોલેજને વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા ત્યારે એનસીટીઈની મંજુરી ન હતી તેવી જાણ હતી તેમ છતાં યુનિવર્સિટીના સત્તાધિશોએ રાજકીય હસ્તક્ષેપ અને દબાણને વશ થઈ આર્થિક હિતો માટે આ કોલેજને વિદ્યાર્થીઓ ફાળવી દીધા હતા. ભાજપના અમુક હોદ્દેદારોએ જ સમગ્ર યુનિવર્સિટીનો કારભાર પોતાના હસ્તક લઈ લીધો હતો. બીએડ કોલેજમાં વિદ્યાર્થીઓ ફાળવવામાં માટે યુનિવર્સિટીના તે સમયના સત્તાધિશો તો જાણે વચેટીયાની ભૂમિકામાં હોય તેવી હાલત થઈ ગઈ હતી. આ બોગસ લેટર મામલે ગુનો દાખલ થયો છે ત્યારે હવે જેને આ બાબતનો રેલો આવે એમ છે તેઓ દ્વારા ફરી રાજકીય આકાઓનો સહારો લઈ આ પ્રકરણમાંથી બહાર કાઢવા અને બચાવવા માટે કાકલુદી કરવામાં આવી રહી છે. જોકે, રેકર્ડ ઉપરના પુરાવાઓના લીધે યુનિવર્સિટીના જે તે સમયના અમુક અધિકારીઓ અને સત્તાધિશો સુધી આ અંગેનો રેલો અવશ્ય પહોંચશે. હાલ પોલીસ દ્વારા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.


