રીક્ષા ચાલક, ડ્રાઈવર, શાકભાજી વેચનાર અને દરજી કામ કરનારના સંતાનો ઝળકયા
વડોદરાઃ ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે.જેમના માતા પિતા વધારે ના ભણ્યા હોય અથવા જેમની આર્થિક સ્થિતિ સારી ના હોય તેવા વાલીઓના સંતાનોએ પણ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવીને સાબિત કર્યું છે કે, તેજસ્વીતા અને પ્રતિભા હોય તો ગમે તેવી અડચણો પણ સારા માર્કસ લાવતા રોકી શકતી નથી.
જેમ કે સરદાર એસ્ટેટ પાસે રહેતી હિર ચૌહાણે ૯૦ ટકા માર્કસ મેળવ્યા છે.તેના પિતા છુટક દરજીકામ કરે છે.ઘરની સ્થિતિ સારી નહીં હોવાના કારણે તેણે ટયુશન વગર જ અભ્યાસ કર્યો હતો.
કિશનવાડીમાં રહેતી દિક્ષિતા ચુનારાએ ૯૮.૬૨ પર્સેન્ટાઈલ મેળવ્યા છે.તેના પિતા પાર્ટ ટાઈમ રીક્ષા ચલાવે છે અને હેલ્થ સેન્ટરમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે.એક રુમ રસોડાના ઘરમાં અભ્યાસ કરીને દિક્ષિતાએ સફળતા મેળવી છે.તેને આગળ અભ્યાસ કરીને સીએ થવું છે.
આ જ રીતે કિશનવાડીમાં રહેતી પલક પરમારના પિતા ડ્રાઈવર છે અને તેણે ટયુશન વગર ૯૯.૧૪ પર્સેન્ટાઈલ તથા ગણિતમાં ૧૦૦માથી ૧૦૦ માર્કસ મેળવ્યા છે.તે કોમર્સમાં અભ્યાસ કરવા માગે છે.પાણીગેટ વિસ્તારમાં રહેતી વૈદેહી કહારે ૯૭.૫૨ પર્સેન્ટાઈલ મેળવ્યા છે.તેના પિતા શાકભાજીનો પથારો લઈને પાણીગેટ શાક માર્કેટમાં બેસે છે.તેઓ પોતે વધારે નથી ભણ્યા પરંતુ દીકરી સારુ ભણે તેવી તેમની ઈચ્છા છે.વૈદેહીને આગળ સાયન્સમાં અભ્યાસ કરવો છે.