બાલાસિનોરની પ્રાથમિક શાળાઓમાં શનિવારે વિદ્યાર્થીઓ બેગ સાથે આવ્યા
- મહીસાગર જિલ્લામાં બેગલેસ-ડેનો ફિયાસ્કો
- શિક્ષણ વિભાગના આદેશ છતાં નગરની ખાનગી શાળાઓમાં ભારે દફતર સાથે બાળકો જોવા મળ્યા
શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧થી ૮ના બાળકો માટે બેગલેસ દિવસ તરીકે ઉજવણી કરવા માટેનં૧ આયોજન સરકાર દ્વારા કરાયું છે. દર શનિવારે બાળકોને શિક્ષણ વગરની ચિત્રકામ, માટીકામ, રમત-ગમત સહિતની શિક્ષણ સિવાયની પ્રવૃત્તિ કરાવવાનું પાલન કરવા માટેનો જે - તે જિલ્લા ડીઇઓ કચેરીનેપત્ર આપી જાણ પણ કરવામાં આવેલી છે. જેમાં તા. ૫ જુલાઈને શનિવારના રોજ બાલાસિનોર સહિત રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને બિનસરકારી અનુદાનિત શાળાઓમાં બેગલેસ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ જવામાંથી મુક્તિ આપી અને ભણતર સિવાયની અન્ય પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. પરંતુ મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે આ નિર્ણયની અસર મોટાભાગની શાળાઓમાં જોવા મળી ન હતી. શનિવારે બાલાસિનોરની ખાનગી શાળા નિર્મલ ઇન્ટરનેશનલ સ્કૂલ, જે.વી.દેસાઈ સ્કૂલ, મોના વિદ્યામંદિર શાળાના બાળકો રોજની માફક ભારે બેગ સાથે શાળાએ આવ્યા હતા. ત્યારે શાળાઓના બાળકો, વાલીઓમાં નારાજગી જોવા મળી હતી.
શાળામાંથી બેગ મંગાવી નથી, બાળક નાસ્તો, પાણી લાવ્યા હોય : બાલાસિનોર ટીપીઓ
બાલાસિનોરના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જીતેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે, મારે અહીં આવે ચાર પાંચ દિવસ જ થયા છે. હું તપાસ કરાવી લઉં છું. શાળામાંથી કોઈએ બેગ મંગાવી નથી. પરંતુ, કોઈ બાળક નાસ્તો કે પાણીની બોટલ લાવ્યા હોય. બાકી ભણાવવાની કોઈ પ્રવૃત્તિ થતી નથી.