ઝાંકની શાળાના વિદ્યાર્થીઓને એકાએક ઝાંખુ દેખાવા લાગ્યું

ટ્રસ્ટ સંચાલિત નિવાસી સ્કૂલના બાળકોને ઓછું દેખાવાની
ફરિયાદ
ઝાંખુ દેખાવું,
ડબલ દેખાવું, નજીકનું
નહીં દેખાવું તથા આંખ લાલ થવી અને પાણી પડવા જેવી વિદ્યાર્થીઓને વિઝનની ગંભીર
તકલીફ ઃ સાચું કારણ શોધવા માટે આરોગ્ય વિભાગે ટીમો બનાવી
ગાંધીનગર : દહેગામના ઝાંકની નિવાસી શાળામાં રહેતા વિદ્યાર્થીઓને આજે સ્કૂલના સમયે એકાએક ઝાંખુ દેખાવા સહિતની વિઝન તકલીફો ઉભી થઇ છે. જેના પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને બાળદર્દીઓને ગાંધીનગર સિવિલમાં દાખલ કરીને ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. બાળકોને ઓછું દેખાવું, ઝાંખુ દેખાવું, ડબલ દેખાવું, નજીકનું નહીં દેખાવું, આંખ લાલ થવી તથા પાણી પડવા સહિતની વિવિધ ફરિયાદ ઉભી થઇ છે તેનું મુખ્ય કારણ શોધવા હવે તંત્ર મથી રહ્યું છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા ઝાંખ ખાતે આવેલી
જે.એમ.દેસાઇ વિદ્યામંદિર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ ત્યાંના કુમાર
છાત્રાલયમાં રહે છે.આ વિદ્યાર્થીઓ પૈકી ઘણા વિદ્યાર્થીઓને આજે સ્કૂલ ચાલુ હતી તે
દરમ્યાન આંખમાં બળવાના અને બાદમાં ઝાંખુ દેખાવા સહિત વિઝનની ગંભીર ફરિયાદો થઇ હતી.
જેના પગલે સ્કૂલ સંચાલકો દ્વારા સ્થાનિક આરોગ્ય કેન્દ્રને જાણ કરી હતી.અહીં તબીબો
દ્વારા તપાસવામાં આવતા વિદ્યાર્થીઓને એકાએક વિઝન પ્રોબ્લમ થઇ ગયો હતો જેના પગલે
જેમને ગંભીર તકલીફો હતી તેવા બાળદર્દીઓને વધુ તપાસ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ
મોકલવામાં આવ્યા હતા. પ્રથમ ૧૨ જેટલા બાળદર્દીઓને સિવિલમાં લઇ જવામાં આવ્યા હતા.
જ્યાં બાળરોગ નિષ્ણાંત, ફિઝીશીયન
ઉપરાંત આંખ વિભાગના તબીબો દ્વારા બાળકોની સઘન સારવાર આપવમાં આવી હતી. ઝાંકના
વિદ્યાર્થીઓને આંખની તકલીફ સહિતનો વિઝન રોગચાળાનું મુખ્ય કારણ શોધવા માટે પણ ખાસ
આરોગ્યની ટીમ મહેનત કરી રહી છે. વિદ્યાર્થીઓના બ્લડ સહિતના વિવિધ સેમ્પલ લઇને તેને
લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તો બીજીબાજુ વિદ્યાર્થીઓ છેલ્લા બે દિવસમાં
શુ શુ ખાધું તેની પુછપરછ કરવાન સાથે ફુડ તંત્રને પણ જરૃરી સેમ્પલ લેવા માટે આરોગ્ય
તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.ઉપરાંત આ છાત્રાલયના પાણીના ક્લોરીનેશનની પણ
તપાસ કરવામાં આવશે. આ છાત્રાલયના ૧૦૫ જેટલા બાળકો પૈકી ચારથી પાંચ બાળકોને પેટમાં
દુઃખાવાની ફરિયાદો પણ છે. ઉલ્લેખનીય છે કે,
બપોરે વિદ્યાર્થીઓએ લાડુ,
દાળ-ભાત, શાક
સહિતનું ભોજન ખાધુ હતું જેથી તે ભોજનના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.
છાત્રાલયના ૨૨૫ છાત્રોમાંથી ૧૦૫ બાળકોને વિઝન પ્રોબ્લમ
ઝાંક ખાતે આવેલી ટ્રસ્ટ સંચાલિત જે.એમ. દેસાઇ વિદ્યા મંદિર
સ્કુલ તથા અહીંની હોસ્ટેલમાં રહેતા ૨૨૫ જેટલા વિદ્યાર્થીઓ પૈકી ૧૧થી ૧૭ વર્ષના ૧૦૫
જેટલા વિદ્યાર્થીઓને વિઝન પ્રોબ્લમ હોવાનું સામે આવ્યું છે. આજે સ્કૂલના સમયે
વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગયા ત્યારે તેમને અભ્યાસમાં તકલીફ થઇ હતી અને દુરનું નહીં
દેખાતું હોવાનું તથા ઝાંખુ દેખાતું હોવાની ફરિયાદ કરી હતી. જેના પગલે સ્થાનિક
આરોગ્ય કેન્દ્રના તબીબી સ્ટાફ દ્વારા ચેકીંગ કરાયું હતું. જેમાંથી ૧૨ દર્દીઓને
ગંભીર અસર જણાતા તેમને ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.જો કે, તબક્કાવાર તમામ
બાળદર્દીઓને ઓબ્ઝર્વેશનમાં સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવશે.
બાળકોની કિકિ પહોળી થઇ ગઇ કારણ શોધવા સેમ્પલ્સ લેવાયા
ઝાંકની નિવાસી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી ૮૪
વિદ્યાર્થીઓને વિઝનમાં ખામી સર્જાઇ હતી જેના પગલે આરોગ્ય તંત્રની ટીમો દ્વારા
બાળકોેને સઘન સારવાર આપવાની સાથે એકસાથે આ બાળકોને ઉભી થયેલી વિઝનની ગંભીર
તકલીફનું મુખ્ય કારણ શોધવા પણ મથામણ થઇ રહી છે.તબીબી સુત્રોમાંથી મળતી માહિતી
પ્રમાણે, ગાંધીનગર
સિવિલમાં લાવવામાં આવેલા ૧૨ વિદ્યાર્થીઓમાં તમામને કિકિ પહોળી થઇ ગઇ છે જેના કારણે
વિઝનનો પ્રોબ્લમ ઉભો થયો છે. બાળકોએ બપોરે લાડું, દાળ-ભાત,
શાક સહિતનું ભોજન લીધું હતું ત્યારે તે ખાદ્ય પદાર્થોના નમૂના લેવા માટે પણ
ફુડ તંત્ર કામે લાગ્યું છે. અહીં પિવાના પાણી અને વાપરવાના તથા ખાસ કરીને
ન્હાવામાં વપરાતા પાણીની પણ તપાસ કરવામાં આવશે તે માટે પણ જરૃરી નમૂના લેવાયા છે.
તો બીજીબાજુ બાળદર્દીઓના બ્લડ સહિતના નમૂના ટેસ્ટીંગ માટે મોકલી આપવામાં આવ્યા
છે.








