Gujarat

વિષય પસંદગી કરવામાં વિદ્યાર્થીઓની આળસ સત્તાધીશો માટે માથાનો દુઃખાવો

By GS TEAM
16 Jan 20261 min read
વિષય પસંદગી કરવામાં વિદ્યાર્થીઓની આળસ સત્તાધીશો માટે  માથાનો દુઃખાવો

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો માટે  વિદ્યાર્થીઓની ઓનલાઈન વિષય પસંદગી કરવામાં આળસ માથાનો દુખાવો બની ગઈ છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ એફવાયના વિદ્યાર્થીઓની બીજા સેમેસ્ટરની ઈન્ટરનલ પરીક્ષા તા.૨૦ ફેબુ્રઆરીથી શરુ થવાની છે.જોકે તે પહેલા ૬૫૦૦ વિદ્યાર્થીઓમાંથી ૧૦૦૦ વિદ્યાર્થીઓએ હજી પણ વિષય પસંદગી કરી નથી.એફવાયના વિદ્યાર્થીઓએ માઈનોર વિષયની સાથે સાથે ઈન્ડિયન નોલેજ સિસ્ટમનો વિષય પણ પસંદ કરવાનો હોય છે.જ્યાં સુધી વિષય પસંદગી ના થાય ત્યાં સુધી વિદ્યાર્થીનો બેઠક નંબર જનરેટ કરી શકાતો નથી.ઉપરાંત વિદ્યાર્થીએ વિષય પસંદગી ના કરી હોય તો તેને પરીક્ષામાં કયું પેપર આપવું તે પણ નક્કી કરી શકાતું નથી.

જેના કારણે કોમર્સ  ફેકલ્ટી સત્તાધીશોએ હવે તા.૨૦ જાન્યુઆરી પહેલા વિદ્યાર્થીઓને વિષય પસંદગી કરવા માટે જાણ કરી છે.તેની સાથે સાથે નિયત સમય મર્યાદામાં જો વિદ્યાર્થી વિષય પસંદગી નહીં કરે તો તે  પરીક્ષા નહીંં આપી શકે.

ઉલ્લેખનીય છે કે, એફવાય જ નહીં પણ એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓ પણ વિષય પસંદગી કરવામાં ઉદાસીન રહેતા હોય છે અને તેમના માટે પણ દર વખતે  સમય મર્યાદા લંબાવવાની ફરજ પડતી હોય છે.