વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં આજથી ટીવાય(પાંચમા સેમેસ્ટર)ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો.પરીક્ષા માટે કોમર્સ ફેકલ્ટીના તમામ યુનિટ અને ટેકનોલોજી ફેકલ્ટી તથા સાયન્સના સીવી રામન બિલ્ડિંગમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પરીક્ષામાં મોબાઈલ લઈને બેસવા પર પ્રતિબંધ છે પણ કેટલાક કેન્દ્રો પર વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે રાખીને પરીક્ષા આપતા હોવાની અને તેમનું કોઈ જાતનું ચેકિંગ નહીં કરાતું હોવાની બૂમો ઉઠી હતી.પરીક્ષામાં મોબાઈલ સાથે રાખવાની મનાઈની જાણ હોવા છતા ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે મોબાઈલ સાથે જ લઈને આવે છે.બીજી તરફ પરીક્ષામાં ચેકિંગ માટે બનાવાયેલી વિજિલન્સ સ્કવોડના સભ્યો પહેલા દિવસે કેટલીક જગ્યાએ જોવા મળ્યા નહોતા એવું વિદ્યાર્થીઓનું કહેવું હતું.
એક સાથે ૭૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોવાથી પરીક્ષા શરુ થતા પહેલા અને પરીક્ષા પૂરી થયા બાદ કેમ્પસમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.કેમ્પસમાં પરીક્ષા ટાણે યોગ્ય વ્યવસ્થા કરવામાં યુનિવર્સિટીની સિક્યુરિટી ફરી એક વખત ઉણી ઉતરી હતી.


