કચ્છના આદિપુરમાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને જાહેરમાં માર્યો તમાચો, મામલો પોલીસ મથકે પહોંચ્યો
Kutch News : આદિપુર સ્થિત તોલાણી આર્ટસ અને સાયન્સ કોલેજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કોલેજનાવિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર જાહેરમાં હુમલો કર્યો હતો. આ ઘટના સોમવારે બપોરે કોલેજના કમ્પાઉન્ડમાં બની હતી અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોલેજના પ્રિન્સિપાલે ગેરવર્તણૂક બદલ ઠપકો આપતાં વિદ્યાર્થીએ મનદુઃખ રાખી પ્રિન્સિપાલ સાથે તકરાર કરી હતી. આ તકરાર એટલી હદે વધી ગઈ કે વિદ્યાર્થીએ આવેશમાં આવીને પ્રિન્સિપાલને જાહેરમાં તમાચો ઝીંકી દીધો હતો. આ ઘટનાથી કોલેજના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે રોષ ફેલાયો છે.
આ ઘટના બાદ કોલેજના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે આદિપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વિદ્યાર્થી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કોલેજના પ્રિન્સિપાલ પર થયેલા આ હુમલાને પગલે શિક્ષકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
આદિપુર પોલીસે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. કોલેજ સ્ટાફ અને પ્રિન્સિપાલ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થામાં શિસ્ત અને સુરક્ષાના મુદ્દાને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે.