વડોદરાઃ સમા-સાવલી રોડ પર પરિવારજનો સૂઇ ગયા ત્યારે રૃ.૩ લાખની રોકડ લઇ ઘર છોડી ગયેલા સ્કૂલના વિદ્યાર્થીને સમા પોલીસે ગોવાના બીચ પરથી શોધી કાઢી તેના વાલીને સોંપ્યો છે.
સમા-સાવલીરોડના એપાર્ટમેન્ટમાં રહેતો ધોરણ-૧૦નો વિદ્યાર્થી ગઇ તા.૨૦મીએ મોડીરાત્રે જમીને તેના પરિવારજનોને ગુડનાઇટ કરી બેડરૃમમાં ગયા બાદ સવારે નહિ મળતાં તેની શોધખોળ કરવામાં આવી હતી.આ દરમિયાન એપાર્ટમેન્ટના સીસીટીવીમાં વિદ્યાર્થી રાતે ૧૨.૫૭ વાગે બેગ લઇને જતો દેખાયો હતો અને તિજોરીમાંથી રૃ.૩લાખ પણ ગુમ હતા.
સમા પોલીસે ત્રણ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ,મોબાઇલ સર્વેલન્સ અને તેના મિત્ર વર્તુળ મારફતે તપાસ કરી એક પછી એક કડી મેળવી હતી.વિદ્યાર્થીનું લોકેશન મુંબઇ મળતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને ત્યાંથી ગોવા પહોંચી હતી.જ્યાં તેના લોકેશનને આધારે ઉત્તરગોવાના બાગા બીચ પરથી તેને મિત્ર સાથે શોધી કાઢ્યો હતો.
પીઆઇ ભરત કોડિયાતરે પૂછપરછ કરતાં વિદ્યાર્થી વડોદરાથી કાર ભાડે કરી મુંબઇ તેના મિત્રને ત્યાં ગયો હોવાની અને ત્યાંથી બંને મિત્રો ગોવાના રિસોર્ટમાં પહોંચ્યા હોવાની માહિતી મળી હતી.રિસોર્ટ પાસે બાગા બીચ આવેલો હોવાથી અને બંને મિત્રો સાંજે ત્યાં ફરવા ગયા હોવાની માહિતી મળતાં પોલીસે બીચ પરથી તેને શોધી કાઢ્યો હતો.
પરીક્ષાનું ટેન્શન હોવાથી ફ્રેશ થવા ગયો હતો
વિદ્યાર્થીએ પ્રાથમિક પૂછપરછમાં જે જવાબ આપ્યો તે સાંભળી પોલીસ પણ અચંબામાં પડી ગઇ હતી.વિદ્યાર્થીએ કહ્યું હતું કે,પરીક્ષા નજીક આવી રહી હોવાથી ટેન્શન રહેતું હતું.જેથી ફ્રેશ થવા માટે મિત્ર સાથે ગોવા જવાનો પ્લાન બનાવ્યો હતો.તેણે ૪૦ થી ૫૦ હજાર વાપરી નાંખ્યા હોવાનું મનાય છે.
સેંકડો સહેલાણીઓ હોવાથી પોલીસ વિદ્યાર્થીની લગોલગ દોઢ કિમી ચાલી
બીચ પર સેંકડો સહેલાણીઓ વચ્ચે વિદ્યાર્થીને ઓળખવો મુશ્કેલ હોવાથી અને તેને શંકા ના પડે તે રીતે શોધવાનો હોવાથી પોલીસ સાદાવેશમાં સહેલાણીઓમાં ફરતી હતી.વિદ્યાર્થીના લાકેશનના આધારે પોલીસ તેની નજીક પહોંચી હતી અને તેને શંકા ના થાય તે રીતે લગોલગ દોઢ કિમી સુધી ચાલી હતી.તક મળતાં જ હેકો દિપક જબ્બારસિંગ અને અન્ય સાથીઓએ તેને બાથમાં ભીડી લીધો હતો.વિદ્યાર્થીએ બચવા માટે બૂમો પાડતાં પોલીસે સહેલાણીઓને પોતાની ઓળખ આપવી પડી હતી.


