એમરાલ્ડ ક્લબના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી છાત્રનું મોત
- લોધીકાનાં દેવડા ગામે આવેલી
- તરતા આવડતુ ન હતું, ટયુબમાંથી બહાર નીકળી જતા ડૂબી ગયો
એકલૌતા પુત્રનાં મોતથી લોહાણા પરિવાર ઉપર આભ તૂટી પડયું
રાજકોટ, : કાલાવડ રોડ પર આવેલા એમરાલ્ડ કલબના સ્વિમીંગ પુલમાં ડુબી જવાથી રાજકોટનાં લોહાણા પરિવારનાં એકલૌતા પુત્ર મૌર્ય (ઉ.વ.૧૩)નું મૃત્યું નિપજતાં પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. ટયુબમાંથી ગમે તે રીતે મૌર્ય બહાર નીકળી જતા આ દુર્ઘટના બની હતી. જેને કારણે તેના પરિવારનાં સભ્યો હતપ્રભ થઈ ગયા હતાં.
૧૫૦ ફુટ રીંગ રોડ પર સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ રાધીકા પાર્કમાં રહેતા નિકેશભાઈ વિઠ્ઠલાણી ઉદ્યોગનગરમાં વે-બ્રીજ ધરાવે છે. તેને સંતાનમાં એક પુત્ર મૌર્ય હતો. જે નચીકેતા સ્કુલમાં ધો.૭માં અભ્યાસ કરતો હતો. ગઈકાલે રવિવારે રજા હોવાથી નિકેશભાઈ પત્નિ, પુત્ર અને મીત્ર ચંદ્રેશભાઈ તન્નાના પત્નિ, ત્રણ સંતાનો સહીતનાં પરિવાર સાથે એમરાલ્ડ કલબમાં ગયા હતાં.
જયાં તે તેનાં પત્નિ ઉપરાંત ચંદ્રેશભાઈ અને તેનાં પત્નિ ખુરશી ઉપર બેઠા હતાં. જયારે તેમનાં ચારેય સંતાનો સ્વિમીંગ પુલમાં નહાવાની મજા માણવા ઉતર્યા હતાં. જો કે, આ ચારેયમાંથી કોઈને તરતા આવડતું ન હોવાથી ટયુબની મદદથી નહાવાની ઉપરાંત જુદી જુદી રમતોની મજા માણતા હતાં.
આ દરમિયાન અચાનક ગમે તે રીતે મૌર્ય ટયુબમાંથી બહાર નીકળી ડુબવા લાગ્યો હતો. અચાનક તેના વાલીઓએ આ દ્રશ્ય જોતા તત્કાળ તેને બેભાન હાલતમાં બહાર કાઢયો હતો. સ્થળ પર જ તેની છાતીમાં પમ્પીંગ કર્યું હતું. પરંતુ કોઈ પરિણામ નહી મળતા ૧૦૮ બોલાવી તેમાં સિવિલમાં ખસેડયો હતો. જયાં તબીબોએ મૃત જાહેર કરતાં પરિવાર ઉપર આભ તુટી પડયું હતું. જયાં આ ઘટના બની તે એમરાલ્ડ કલબ લોધીકાનાં દેવડા ગામમાં આવેલી છે. જાણ થતા લોધીકા પોલીસ સ્થળ પર અને હોસ્પિટલ પહોંચી હતી. પોસ્ટમોર્ટમ સહીતની જરૂરી કાર્યવાહી બાદ પરિવારને મૃતદેહ સોપી દીધો હતો.