માતાની હાજરીમાં જ વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીનો પટ્ટા વડે હુમલો
ગાંધીનગરના સેક્ટર-૨૩માં આવેલી શાળા બહાર
થોડા સમય અગાઉ સમાજની સાથી વિદ્યાર્થીના ફોટા પાડવા બાબતે થયેલા વિવાદમાં માર માર્યો ઃ પોલીસની તપાસ
અમદાવાદમાં થોડા સમય અગાઉ જ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે
થયેલી તકરારની અદાવત રાખીને અન્ય વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીની હત્યા કરી દીધી
હતી. હજી આ મામલો થાળે પડયો નથી ત્યાં ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે તકરારની
ઘટનાઓ બહાર આવી રહી છે ત્યારે ગાંધીનગર શહેરના સેક્ટર ૨૩માં આવેલી શાળામાં પણ
મારામારીનો કિસ્સો બહાર આવ્યો છે.
જે ઘટના સંદર્ભ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે આ
શાળામાં ભણતી એક વિદ્યાર્થીનીના ફોટા શાળાના અન્ય વિદ્યાર્થીએ પાડયા હતા અને જે
મામલે વિદ્યાર્થીનીના પરિવારને જાણ થતા તેમણે પોલીસમાં જાણ કરી હતી. જેથી બંને પક્ષે
સમાધાન થઈ ગયું હતું અને પોલીસની હાજરીમાં વિદ્યાર્થીએ માફી પત્ર લખી આપ્યું હતું
ત્યારે આ બાબતની અદાવત રાખીને આ વિદ્યાર્થીનીના સમાજના અન્ય એક વિદ્યાર્થીએ આ
વિદ્યાર્થીને ગઈકાલે શાળા સંકુલની બહાર પટ્ટા વડે માર મારવાનું શરૃ કર્યું હતું તે
જ સમયે આ વિદ્યાર્થીની માતા તેને લેવા માટે આવી હતી અને તેની હાજરીમાં માર
મારવાનું ચાલુ રાખતા તેની માતાએ કેમ મારે છે તેમ કહ્યું હતું. જેથી તેણે ફોટા
પાડયા હોવાથી માર મારતો હોવાનું કહ્યું હતું. જો કે આ મામલે સમાધાન થઈ ગયું
હોવાનું વિદ્યાર્થીની માતાએ કહ્યું હતું પરંતુ તે માનવા તૈયાર થયો ન હતો અને માર
ચાલુ જ રાખ્યો હતો. જેથી આસપાસના લોકો વચ્ચે પડતા આ વિદ્યાર્થીને વધુ મારથી
બચાવવામાં આવ્યો હતો અને આ મામલે વિદ્યાર્થીની માતાએ સેક્ટર ૨૧ પોલીસ મથકમાં
ફરિયાદ આપતા પોલીસે એટ્રોસિટી અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ
કરી છે.