વડોદરાની બહુમાળી સરકારી ઇમારત નર્મદા અને કુબેર ભવનની ચકાસણી
કુબેર ભવન હાલના તબક્કે સલામત જ્યારે નર્મદા ભવનની સ્થિતિ સારી નહી હોવાથી રિપેરિંગ કરાશે
વડોદરા, તા.28 ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સરકારી તંત્ર જાગ્યું છે. માત્ર બ્રિજ જ નહી પરંતુ સરકારી બહુમાળી ઇમારતોની ચકાસણી પણ શરૃ કરી દીધી છે. વડોદરાની બે બહુમાળી સરકારી ઇમારતોની શનિવારે ગાંધીનગરથી આવેલી માર્ગ અને મકાન વિભાગની ખાસ ટીમો દ્વારા ચકાસણી હાથ ધરી હતી.
વડોદરા શહેરમાં આવેલી બે સરકારી હાઇરાઇઝ બિલ્ડિંગ કુબેર ભવન અને નર્મદા ભવનની હાલત ખરાબ હોવાથી ગયા વર્ષે આ બંને ઇમારતોની સ્ટ્રક્ચર સ્ટેબિલિટિ સહિત અન્ય તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને નર્મદા ભવનમાં દરેક માળ પર તપાસ હાથ ધરાતા વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓમાં ભાળ પડી હતી કે હવે ગમે ત્યારે આ બિલ્ડિંગ ધરાશાયી થશે એટલે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
પાદરા તાલુકાનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ અન્ય સરકારી મિલકતોની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરાની કુબેર ભવન અને નર્મદા ભવનની બહુમાળી ઇમારતોમાં ગાંધીનગરથી માર્ગ અને મકાન વિભાગની આવેલી ડિઝાઇન તેમજ સ્ટ્રક્ચરલ અને કન્સલ્ટન્ટની ટીમો દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પ્રાથમિક તબક્કે કુબેર ભવનનું તાજેતરમાં જ રિપેરિંગ હાથ ધરાયું હોવાથી તે યોગ્ય ઇમારત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું.
પરંતુ આશરે ૩૫ વર્ષ કરતા પણ જૂની નર્મદા ભવન બિલ્ડિંગની હાલત ખરાબ હોવાનું જાણવા મળ્યું હતું. આ બિલ્ડિંગ તોડીને નવી બનાવવી તેવો મત વ્યક્ત કરાયો હતો પરંતુ નર્મદા ભવનમાં અનેક સરકારી કચેરીઓ હોવાથી તેને શિફ્ટ કરી તાત્કાલિક નવી ઇમારત બનાવવાનું હાલમાં શક્ય નહી હોવાથી ઇમારતનું રિપેરિંગ કરવાનું નક્કી કરાયું હતું. આ સમય દરમિયાન નર્મદા ભવનના સ્થળે નવી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળ્યું છે.