વડોદરાના ગાજરાવાડીમાં મૃત જાનવરોના નિકાલ માટેના સ્લોટર હાઉસના આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ

Vadodara : વડોદરા શહેરના ગાજરાવાડી ખાતે કોર્પોરેશન દ્વારા મૃત જાનવરોના નિકાલ માટે સ્લોટર હાઉસ બનાવવામાં આવ્યું છે. ગઈકાલે કોર્પોરેશનના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સ્લોટર હાઉસની વિઝીટ કરતા સ્લોટર હાઉસ બંધ હોવાનું બહાર આવતા કોર્પોરેશનની બેદરકારી છતી થઈ હતી.
આ અંગે વિપક્ષ નેતાનું કહેવું છે કે, વર્ષો અગાઉ ગાજરાવાડી વિસ્તારનો શહેરની બહારના વિસ્તારમાં સમાવેશ થતો હતો. પરંતુ, આજે વિસ્તાર અને વસ્તી વધતા ગાજરાવાડી વિસ્તાર શહેરની મધ્યમાં આવી ગયું છે. પહેલા માંડ 3-4 મૃત જાનવરોનો નિકાલ થતો હતો પરંતુ હવે રોજના 50 થી 60 જાનવરોનો નિકાલ થઈ રહ્યો છે. સ્લોટર હાઉસની આસપાસ મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે. સ્થાનિક રહીશો સ્લોટર હાઉસની તીવ્ર દુર્ગંધથી પરેશાન છે. સ્લોટર હાઉસ અન્ય સ્થળે ખસેડવા 35 વર્ષથી લડત ચલાવી રહ્યો છું. ખરેખર 15 વર્ષ અગાઉના ઠરાવ મુજબ, શહેરની બહારના જાનવરો તથા સ્થાનિક વોર્ડ ઓફિસરની મંજૂરી વગર મૃત જાનવરો સ્વીકારવા ન જોઈએ. આજે પરિસ્થિતિએ સર્જાઇ છે કે, પ્લોટર હાઉસના આસપાસના વિસ્તારમાંથી લોકોનું પાલન થઈ રહ્યું છે. આ કોર્પોરેશન માટે ચિંતાનો વિષય છે. છેલ્લા પાંચ દિવસથી સ્લોટર હાઉસ બંધ હોય વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાતા લોકો પરેશાન થઈ રહ્યા છે.
આ અંગે કમિશનર તાત્કાલિક એક્શન લઈ જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ છે. જ્યારે કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે, સ્લોટર હાઉસ ખાતે જેસીબી વડે કામગીરી ચાલી રહી હોય કેબલ તૂટી જતા પાછલા બે દિવસથી પરિસ્થિતિ ઉદ્ભવી છે. આજે બપોર સુધીમાં કાર્યરત થઈ જાય તેવું અનુમાન છે. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, વૈજ્ઞાનિક ઢબે મૃત જાનવરોનો નિકાલ કરાતા વિસ્તારમાં દુર્ગંધની સમસ્યા નહીં રહે તેવો દાવો સત્તાધીશો દ્વારા કરાયો હતો. તેમ છતાં સ્લોટર હાઉસના આસપાસના વિસ્તારમાં આજે પણ તીવ્ર દુર્ગંધ ફેલાય છે.