Get The App

કપડવંજ-મોડાસા રેલવે લાઇનને શામળાજી-ટીટોઈ સુધી લંબાવવામાં ઉગ્ર માગણી ઉઠી

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
કપડવંજ-મોડાસા રેલવે લાઇનને શામળાજી-ટીટોઈ સુધી લંબાવવામાં ઉગ્ર માગણી ઉઠી 1 - image

- રેલવેનો પ્રશ્ન વર્ષોથી ખોરંભે, તંત્રની ઉદાસીનતા

- માંગ સંતોષવામાં આવે તો વિસ્તાર સીધો દિલ્હી-મુંબઈ જેવા મેટ્રો શહેરો સાથે જોડાઈ શકે તેમ છે

કપડવંજ : કપડવંજ શહેર અને તાલુકાના વિકાસ માટે અત્યંત મહત્વની એવી રેલવે સુવિધાનો પ્રશ્ન દાયકાઓથી ખોરંભે પડયો છે. સ્થાનિક રાજકીય નેતાઓની ઈચ્છાશક્તિના અભાવે અને રેલવે તંત્રની આંખ આડા કાન કરવાની નીતિને કારણે કપડવંજ આજે પણ મોટા રેલવે નેટવર્કથી વંચિત રહ્યું છે. માત્ર ૨૩.૫ કિલોમીટર જેટલા ટૂંકા અંતરના રેલવે પાટા લંબાવવાની કામગીરી ન થતા કપડવંજનો ઔદ્યોગિક વિકાસ રૂંધાઈ રહ્યો હોવાની બૂમો ઉઠી છે.

કપડવંજ અને તાલુકાના હિતમાં નાગરિક મનુભાઈ રામાભાઈ પટેલે રજૂઆત કરતા જણાવ્યું છે કે, જો કપડવંજ-મોડાસા રેલવે લાઇનને શામળાજી-ટીટોઈ સુધી માત્ર ૨૩.૫ કિમી લંબાવવામાં આવે, તો આ વિસ્તાર સીધો દિલ્હી-મુંબઈ રેલવે લાઇન સાથે જોડાઈ શકે તેમ છે. આ જોડાણથી માત્ર મુસાફરોને જ નહીં, પરંતુ ઔદ્યોગિક એકમોને પણ મોટો ફાયદો થાય અને કપડવંજ પંથકમાં રોજગારીની નવી તકો ઊભી થઈ શકે છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, જ્યારે જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારો રેલવેના વિકાસના મોટા-મોટા વાયદાઓ કરે છે. પરંતુ સત્તા મળ્યા બાદ કોઈ પણ નેતાએ રેલવે મંત્રાલયમાં આ અંગે સચોટ રજૂઆત કરી હોય તેવું જણાતું નથી. મનુભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે, અત્યાર સુધીના નેતાઓએ પોતાનો વિકાસ કર્યો છે, પરંતુ કપડવંજના વિકાસની કોઈને પડી નથી. રેલવે કનેક્ટિવિટીના અભાવે કપડવંજ તાલુકામાં કોઈ મોટા ઉદ્યોગો આવતા ખચકાઈ રહ્યા છે. જો રેલવે પાટા લંબાવવામાં આવે તો સ્થાનિક વેપાર અને ઉદ્યોગોને વેગ મળે. દિલ્હી-મુંબઈ જેવા મેટ્રો શહેરો સાથે સીધું જોડાણ થાય. જેથી શિક્ષણ અને રોજગારી માટે અવરજવર સરળ બને.