app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

રાજ્યમા આજથી ખાનગી હોસ્પિટલોની ડાયાલિસિસને લઈ હડતાળ, સરકારે હેલ્પલાઈન સેવા શરૂ કરી

ડાયાલિસીસ સંલગ્ન ફરિયાદ અને માહિતી માટે PMJAYની 1800 233 1022 / 9059191905 હેલ્પલાઇન સેવા કાર્યરત

એ-વન ડાયાલિલીસ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારે તાલુકા સ્તર સુધી કુલ 272 જેટલા નિ:શુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત કર્યા

Updated: Aug 14th, 2023



અમદાવાદઃ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ડાયાલિસિસના ભાવમાં ઘટાડાને લઈ સરકાર અને ગુજરાત નેફ્રોલોજિસ્ટ એસોસિએશનનો વિવાદ વધુ વકર્યો છે. નેફ્રોલોજીસ્ટ એસોસિએશને આજથી 16 ઓગસ્ટ સુધી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આ વિરોધમાં રાજ્યના કુલ 102 જેટલા તબીબો જોડાઇ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. આયુષ્યમાન યોજના હેઠળ ડાયાલિસિસ માટે ખાનગી હૉસ્પિટલોને બે હજાર ચૂકવામાં આવતા હતા પરંતુ તેમાં ઘટાડો કરી રકમ 1650 કરવામાં આવી છે. જેથી એસોસિએશને ત્રણ દિવસ ડાયાલિસિસ બંધ રાખવાની જાહેરાત કરી છે. તબીબો માં કાર્ડ હેઠળ સારવાર નહિ કરે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હડતાળને લઈને રાજ્ય સરકાર દ્વારા ડાયાલિસીસ સંલગ્ન ફરિયાદ અને માહિતી માટે PMJAYની 1800 233 1022 / 9059191905 હેલ્પલાઇન સેવા કાર્યરત કરાઈ છે. 

272 જેટલા નિ:શુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે,PMJAY અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે રાજ્ય સરકારે 1650 પ્રતિ ડાયાલિસીસ તેમજ 300 આવવા-જવાનું ભાડુ આમ કુલ 1950 નક્કી કર્યા છે.નેશનલ હેલ્થ ઓથોરિટી પ્રમાણે દેશના અન્ય રાજ્યોમાં PMJAY અંતર્ગત એમ્પેન્લડ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે અપાતી રકમ સરેરાશ 1500 છે.ડાયાલિસીસ કરાવતા રાજ્યના એક પણ દર્દીને હાલાકી ભોગવવી પડે નહીં તેવુ આયોજન રાજ્ય સરકારે કર્યું છે.એ-વન ડાયાલિલીસ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારે તાલુકા સ્તર સુધી કુલ 272 જેટલા નિ:શુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત કર્યા છે. 

રાજ્ય સરકારે હેલ્પલાઇન સેવા શરૂ કરી

વધુમાં રાજ્યની સિવિલ હોસ્પિટલ્સમાં પણ નિ:શુલ્ક ડાયલિસીસની સેવા આપવામાં આવી રહી છે. રાજ્યમાં સરેરાશ પ્રતિમાસ 1 લાખ જેટલા ડાયાલિસીસ આ કેન્દ્રો પર કરવામાં આવે છે. PMJAY એમ્પેન્લ્ડ હોસ્પિટલમા ડાયાલિસીસના પ્રવર્તમાન દર દેશના અન્ય રાજ્યોમાં આપવામાં આવતા સરેરાશ દર કરતા પણ વધારે છે.વધુમાં રાજ્યમાં કોઇપણ દર્દીને આયુષ્માન યોજના અતંર્ગત ડાયાલિસીસ કરાવવામાં અગવડ પડે તો તેની ફરિયાદ અને જરુરી માહિતી માટે રાજ્ય સરકારે 1800 233 1022 /9059191905  હેલ્પલાઇન સેવા શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત નેફ્રોલોજી એસોસિએશને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ પીએમ-જયના અધિકારીઓને એક મહિના પહેલા રજૂઆત કરી હતી. જે બાદ પણ કોઈ કાર્યવાહી ન કરાતા અંતે આંદોલન કરવાનો નિર્ણય લીધો હતો.


Gujarat