Gujarat

જામનગરની ભાગોળે રિસોર્ટમાં આગની ઘટના બાદ ફાયર સેફ્ટીના ચેકીંગનો કડક દોર : હાઇવે હોટલને સીલ કરાઈ

By GS TEAM
5 May 20261 min read
TukuTouch Logo
હાઇવે પર હોટલ-ધાબા અને રેસ્ટોરન્ટમાં તાબડતોબ ચેકિંગ, નિયમોનો ભંગ કરતી એક હાઇવે હોટલને સીલ કરાઈ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરની ભાગોળે રિસોર્ટમાં આગની ઘટના બાદ ફાયર સેફ્ટીના ચેકીંગનો કડક દોર : હાઇવે હોટલને સીલ કરાઈ

Jamnagar : જામનગર નજીકના એક રિસોર્ટમાં ગત રવિવારે લાગેલી ભયાનક આગની ઘટનાને પગલે જામનગર મહાનગરપાલિકા હરકતમાં આવી છે. શહેર અને આસપાસના હાઇવે રોડ પર આવેલ હોટલ, ધાબા અને રેસ્ટોરન્ટોમાં ફાયર સેફ્ટી સહિતના નિયમોની કડક તપાસ હાથ ધરવામાં આવી છે.

આજે મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ, એસ્ટેટ શાખા, ટીપીડીપી બ્રાંચ તથા અન્ય સંબંધિત વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા વિશાળ ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. અંદાજે પંદર જેટલા અધિકારીઓ અને સ્ટાફ સાથેની ટૂકડી દ્વારા હાઇવે વિસ્તારોમાં આવેલી એકમોની તપાસ કરવામાં આવી રહી છે.

ચેકિંગ દરમિયાન ઠેબા ચોકડી નજીક આવેલી એક હાઇવે હોટલ-રેસ્ટોરન્ટમાં 'ધાબા એ જામનગરી' માં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ બાંધકામની જરૂરી મંજૂરી જેવા કોઈપણ જરૂરી દસ્તાવેજો ન હોવાના કારણે તાત્કાલિક અસરથી તે એકમને સીલ કરી દેવામાં આવી હતી.

મહાનગરપાલિકા તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે હોટલ, ધાબા અથવા રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટી કે બાંધકામ સંબંધિત નિયમોનું પાલન કરવામાં આવ્યું નહીં હોય, તેવા એકમો સામે કડક કાર્યવાહી કરીને તેમને તાત્કાલિક સીલ કરવામાં આવશે. ફાયર વિભાગના અધિકારી દ્વારા જણાવાયું હતું કે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, અને તમામ વ્યાપારીઓએ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.