સખ્તાઇથી દંડ વસુલીથી કાપડ માર્કેટમાં વેપારીઓ માટે ધંધો કરવો મશ્કેલ
મ્યુનિ. ટીમ રોજેરોજ દંડ વસુલી રહી છેઃ દુર્ગાપૂજાની સીઝનની ખરીદીનો લાભ પણ વેપારીઓ ગુમાવે તેવી ભીતિથી નારાજગી
સુરત,
તા. 27 જુલાઈ, 2020, સોમવાર
એસએમસીની ટીમ રોજેરોજ જુદી જુદી કાપડમાર્કેટમાં ફરી રહી છે અને એકથી લઈને પાંચ હજાર સુધીના દંડ વેપારીઓ પાસેથી વસૂલ કરી રહી છે. પ્રશાસન વધુ પડતી સખ્તાઇ દાખવી રહી છે, એવો ગણગણાટ આગળ વધી રહ્યો છે. આ રીતે ધંધો નહીં થાય, પ્રશાસને થોડુંક નરમ વલણ અપનાવવું પડશે.
કાપડ બજારમાં વેપારીઓને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં નહીં આવે તો, આવનારી સીઝન પણ ચોપટ થઈ જશે. રક્ષાબંધનની ખરીદીની સીઝન ક્યારની પૂરી થઈ ગઈ છે, અને હવે આગામી દુર્ગા પૂજાની સીઝનની ખરીદીનો લાભ પણ વેપારીઓ નહીં મેળવી શકે. એક પૈસાનો વેપાર થતો નથી અને સામે એસએમસીની ટીમ આવીને દંડ વસુલી રહી છે, એમ અગ્રણી તારાચંદ કાસટે જણાવ્યું હતું.
સંક્રમણ વધે નહી તે માટે વેપારીઓ દ્વારા ખૂબ જ કાળજી રખાય છે છતા પ્રશાસન ચેકિંગમાં વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સીગ, માસ્ક કે પછી કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું અમલ નહીં કરવાના મુદ્દે દંડ વસૂલીને પરેશાન કરી રહ્યું છે. આજે ૪૫૧ ટેક્સ્ટાઇલ માર્કેટ, ગોળવાળા માર્કેટ અને રેશમવાલા માર્કેટમાં વેપારીઓ પાસેથી દંડ વસૂલાયો હતો એમ તેમણે જણાવ્યું હતું.
વેપારીઓમાં કોરોનાનો ખૂબ ડર છે તેથી ઘણાએ દુકાનો ખોલી જ નથી. પણ જેમને વેપાર કરવો છે તેમના માટે વાતાવરણ જરુરી છે. કાપડબજારમાં ઓડઇવન ફોર્મ્યુલા ખરેખર યોગ્ય નથી. વારાફરતી દુકાન ખોલવાને કારણે વેપારીઓ પોતાનો ધંધો નહીં કરી શકે. અત્યારે વેપારીઓના ઘણાં ઓર્ડર કેન્સલ થઈ ગયાં છે અને હજુ થઈ રહ્યાં છે.
અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તે જોતાં આગામી સીઝન, ખાસ કરીને દશેરા-દિવાળીના તહેવારોનો લાભ વેપારીઓ મેળવી શકશે કે કેમ એક મોટો પ્રશ્ન છે. ઘણાં વેપારીઓએ માલ બનાવીને તૈયાર રાખ્યો છે અને ઓર્ડરોની રાહ જોઇ રહ્યાં છે.