વડોદરામાં ટ્રાફિક લાઈનની બહાર આડેધડ વાહન પાર્ક કરનારા સામે કડક કાર્યવાહી કરાશે
Vadodara : વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તાર સહિત ઠેક ઠેકાણે થતા આડેધડ પાર્કિંગથી વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાના કારણે પાલિકા તંત્ર, ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ આજે ઉતરી પડી છે. ટ્રાફિક લાઈનની અંદર વાહન પાર્ક નહીં કરનારને યોગ્ય તાકીદ કરવામાં આવી છે. જ્યારે ટેવાયેલા આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરના ચાર દરવાજા વિસ્તાર સહિત જુદા જુદા વિસ્તારોમાં અને પશ્ચિમ વિસ્તારમાં ઠેર-ઠેર વાહન ચાલકો આડેધડ પોતાના વાહન પાર્ક કરીને કામકાજ માટે જતા હોય છે. પરિણામે અન્ય વાહનચાલકોને રોડ રસ્તા પરથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કેટલીક વાર તકરારના દ્રશ્યો પણ સામાન્ય બની જતા હોય છે. આવી વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાના કારણે ટ્રાફિક લાઈનની અંદર જ પોતાનું વાહન પાર્ક કરાવવા બાબતે ઉચ્ચ ટ્રાફિક પોલીસ અધિકારીઓ સહિત પાલિકા તંત્રની ટીમ સઘન કાર્યવાહી અંગે ઉતરી પડી છે. ટ્રાફિક લાઈનની અંદર વાહન પાર્ક કરવાના આગ્રહ બાબતે વાહનચાલકોને સઘન રીતે સમજાવવામાં આવ્યા છે. જ્યારે આડેધડ વાહન પાર્ક કરનારાઓ સામે ટ્રાફિક પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા ચીમકી આપવામાં આવી છે.