વડોદરાના તમામ બ્રિજની મજબૂતાઈ ચકાસણી કામગીરી ત્રણ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે
Vadodara Bridge : મહી નદી ઉપર ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડ્યા બાદ વડોદરા શહેરમાં આવેલા તમામ ઓવરબ્રિજની મજબૂતાઈ ચકાસવાની કામગીરી શરૂ કરી છે, અને આ કામગીરી ત્રણ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ સાથે આજે સવારે ફતેગંજ ફ્લાય ઓવર બ્રિજની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. ગઈકાલે પણ બે બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનના પાંચેય ઝોનમાં ઝોનલ ડેપ્યુટી કમિશનરની, બ્રીજ ડિપાર્ટમેન્ટ અને સીટી એન્જિનિયરની એમ ત્રણ એન્જિનિયરિંગ ટીમ દ્વારા નિરીક્ષણની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
વડોદારા શહેરમાં 43 માંથી બે બ્રિજ કમાટીબાગ અને જાંબુવા બ્રિજ બંધ કરેલો જ છે. ગયા જૂન મહિનામાં સ્વતંત્ર તપાસ એજન્સી દ્વારા તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન કરાયું હતું, પરંતુ એ નિરીક્ષણનો સંતોષ માન્યા વિના કોર્પોરેશન હાલ શહેરીજનોની સલામતી માટે કોઈ જોખમ લેવા માગતું નથી, અને રી-વેરિફિકેશન કરી ત્રણ જુદી-જુદી ટીમોનું ગઠન કરીને કામગીરી ચાલુ કરવામાં આવી છે. અગાઉનો જે રિપોર્ટ છે તેનું રીવેરીફીકેશન આ રિપોર્ટ સાથે પણ કરાશે. જરૂર પડે તો વધુ કડક પગલાં અને નિર્ણય લેવામાં આવશે. બ્રિજની મજબૂતાઈ ચકાસવા જુદા-જુદા ટેકનિકલ પાસા ચકાસવાના હોય છે. જેમાં બ્રિજનું સ્ટ્રક્ચર, કેરિંગ કેપેસિટી, બ્રિજનું મટીરીયલ મિક્સ ચર, સ્ટીલ, કોંક્રીટ, બ્રિજની આવરદા, બે જોઈન્ટ વચ્ચેની ગેપ વગેરે જેવા ટેકનિકલ પરિમાણો જોવાના હોય છે. આમ તો દર વર્ષે તમામ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરાતું જ હોય છે, પરંતુ કોર્પોરેશન સાવચેતીના પગલાં રૂપે આ કામ કરી રહી છે અને એક નક્કર રિપોર્ટ ઈચ્છી રહી છે. ઇન્સ્પેક્શન રિપોર્ટ પછી જે કંઈ જરૂરી રીટ્રોફિટિંગ કરવાની જરૂર હશે તે પણ કરી લેવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. વડોદરા શહેરમાં 13 રેલવે ઓવરબ્રિજ, 4 ફલાઈ ઓવર, 24 રિવર બ્રિજ, એક કમાટી બાગમાં અને એક જાંબુવાનો ગાયકવાડી શાસન વખતનો બેઠો પુલ મળી કુલ 43 બ્રિજ છે.