Get The App

કીંમતી પ્લોટ હોકિંગ ઝોન માટે ફાળવવાના હોવાથી સ્ટ્રીટ વેન્ડર્સ એકટ અભરાઈ પર

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
કીંમતી પ્લોટ હોકિંગ ઝોન માટે ફાળવવાના હોવાથી સ્ટ્રીટ વેન્ડર્સ એકટ અભરાઈ પર 1 - image


Vadodara Corporation : ગુજરાત સરકારે સ્ટ્રીટ વેન્ડર્સ એકટ વર્ષ-2014માં બનાવ્યો પરંતુ સ્ટ્રીટ વેન્ડર્સ એકટ પ્રમાણે લારી-ગલ્લા માટે હોકિંગ ઝોનના પ્લોટો ફાળવવાનો મુદ્દો 11 વર્ષથી અધ્ધરતાલ છે. આજદિન સુધી સ્ટ્રીટ વેન્ડર્સ એકટનો અમલ કરવામાં સરકાર નિષ્ફળ ગઇ છે.

 ગુજરાતમાં લારી-ગલ્લાનો પ્રશ્ન, વિકટ બન્યો છે. જેને કારણે અવારનવાર વાહન પાર્કિંગ કરનારા અને લારી ચલાવનારા વચ્ચે રકઝક થતી રહે છે. કેટલીક વાર તો આ રકઝક ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. ગુજરાતમાં વર્ષો પૂર્વે લારી-ગલ્લાના લાઇસન્સ આપવામાં આવતા હતા ત્યારે હજારોની સંખ્યામાં લારી-ગલ્લા હતા. રોજગારીનો પ્રશ્ન પણ ઉભો થતાં લારી-ગલ્લાનો પ્રશ્ન આર્થિક અને સામાજિક સમસ્યા બની ગઇ છે. રાજ્ય સરકારની સૂચના પ્રમાણે વર્ષ-2009માં સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી તૈયાર કરવામાં આવી હતી. તેમ છતાં તેનો અમલ થયો નહીં. જેને કારણે ગુજરાતમાં લારી-ગલ્લા અને પથારાની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ છે. કોર્પોરેશનો અને નગરપાલિકાઓ  દ્વારા લારી-ગલ્લા હટાવવાની ઝુંબેશ રોજબરોજ કરવામાં આવે છે પરંતુ લારી-ગલ્લાવાળા સાથે રાજકારણીઓ પણ સંકળાયેલા હોય છે. એટલું જ નહીં પોલીસ અને કોર્પોરેશનના કેટલાક કર્મચારીઓનું હપ્તાનું રાજકારણ ચાલતું હોવાથી તાત્કાલિક લારી-ગલ્લા પેનલ્ટી લઈને છોડી દેવાની ફરજ પડે છે. કોર્પોરેશનો દ્વારા વર્ષ-2009માં સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવવામાં આવી હતી. જેનો અમલ આજ દિન સુધી થયો નથી. વર્ષ-2014માં રાજ્ય સરકાર દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ એકટ બનાવી તેનો અમલ કરવાનું નક્કી કર્યું અને રાજ્ય સરકારે લાઇવલી હુડ મિશન દ્વારા વર્ષ-2016-17માં સ્ટ્રીટ વેન્ડર્સનો સર્વે કરવામાં આવ્યો હતો. દરમ્યાનમાં જાણવા મળતી માહિતી પ્રમાણે હવે એકટ અને પોલિસી પ્રમાણે સ્ટ્રીટ વેન્ડર્સ માટે ગુજરાતની કોર્પોરેશનો અને નગર પાલિકાઓમાં હોકિંગ ઝોનના પ્લોટો ફાળવવાના હોવાથી હવે કરોડો રૂપિયાની જમીનો હોકિંગ વેન્ડર્સને ફાળવવાનો મુદ્દો સરકાર માટે માથાનો દુખાવો બન્યો છે. સરકાર કરોડો રૂપિયાની જમીન સ્ટ્રીટ વેન્ડર્સ માટે ફાળવે તો નુકસાન થાય તેવી પરિસ્થિતિ હોવાથી રાજ્ય સરકાર સ્ટ્રીટ વેન્ડર્સ એકટનો અમલ કરતી નથી તેમ જાણવા મળે છે.

કોર્પોરેશન અગાઉ લારી-ગલ્લા ફરતા રાખવા લાઇસન્સ આપતું હતું

વડોદરા શહેરમાં વર્ષો પૂર્વે કોર્પોરેશન લારી-ગલ્લા માટે લાઈસન્સ આપતું હતું. આ લાઇસન્સ મુજબ લારીઓ ફરતી રાખવાનો નિયમ છે. વર્ષો પૂર્વે માંડ ત્રણથી ચાર હજાર લારીઓ હતી ત્યારે નિયમનો અમલ થતો હતો. શહેરમાં લાઇવલી હુડ મિશન દ્વારા લારી ગલ્લાનો સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે 12,600 છલારી ગલ્લા નોંધાયા હતા. વડોદરા શહેરમાં એક અંદાજ મુજબ 50 હજારથી વધુ લારી-ગલ્લા અને પથારા થઈ ગયા છે.

લારી-ગલ્લા ઉપરાંત ઠેર-ઠેર પંડાલ, ગાડીઓ, કાર ડિલરોના દબાણો

વડોદરા શહેરમાં લારી-ગલ્લા ઉપરાંત ગણપતિના પંડાલ, કંડમ થઈ ગયેલી ગાડીઓ, કાર ડીલરો, ઘોડાગાડી તેમજ ફૂટપાથ પર ગેરકાયદે લારી-ગલ્લાની સાથે ખુરશી-ટેબલ મુકી ખાણીપીણીનો ધંધો કરનારાના દબાણો કોર્પોરેશન માટે હટાવવા પડકારરૂપ બન્યા છે. કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ નહીં થતાં ગેરકાયદે દબાણોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. શહેરમાં ગેરેજોવાળાને ત્યાં ગાડીઓ રિપેરિંગ માટે આવતી હોય છે તેમાંથી અનેક ગાડીઓ કંડમ થતી હોય છે. ગાડીઓમાંથી જરૂરિયાત પ્રમાણે સ્પેરપાર્ટસ કાઢી લઈ રસ્તા પર રાખી દઈ દબાણો કરી દેવામાં આવે છે. કેટલીક જગ્યાએ વૃક્ષારોપણના બહાને પણ આજુબાજુમાં દબાણ કરી દેવામાં આવે છે. ફોર વ્હીલર અને ટુ વ્હીલરનું વેચાણ કરનારા ડિલરો દ્વારા પણ રસ્તા પર તેઓની ગાડીઓ મુકવામાં આવે છે. આવા દબાણો હટાવવામાં કોર્પોરેશનનું તંત્ર નિષ્ફળ નિવડ્યું છે.

Tags :