Gujarat

કપડવંજ પાલિકામાં મોડાસા રોડ ઉપર 10 દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ

By GS TEAM
20 Jun 20251 min read
કપડવંજ પાલિકામાં મોડાસા રોડ ઉપર 10 દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ

રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી

વરસાદી પાણી ભરાઈ ગયા હોવાથી વૃદ્ધો, બાળકો સહિત સ્થાનિકોને ઝેરી જંતુ, જાનહાનિનો ભય

કપડવંજ: કપડવંજમાં એમજીવીસીએલ અને પાલિકાની બેદરકારીના લીધે નગરજનો હાલાકી ભોગવી રહ્યા છે. મોડાસા રોડ ઉપર નવદુર્ગા સોસાયટી પાસે ૧૦ દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવા છતા તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.

કપડવંજ નગરપાલિકાના હદ વિસ્તારમાં મોડાસા રોડ પર છેલ્લા ૧૦ દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ છે. આ અંગે નવદુર્ગા સોસાયટીના રહીશોએ ટેલિફોની ફરીયાદો કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશોને નાગરિકોની પડી જ ન હોય તેમ હજી સુધી સ્ટ્રીટ લાઈટો શરૂ કરાઈ નથી. ત્યારે સોસાયટીના રહીશોએ એકત્ર થઇ સૂત્રોચ્ચાર કરી પાલિકા તંત્રનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકામાં નાગરિકો દ્વારા ફરીયાદો કરવા છતાં મનમાની ચાલી રહી હોય તેમ રજૂઆતોનો નિકાલ થતો નથી. ત્યારે પાલિકાના અધિકારીઓ નગરજનોની મુશ્કેલી દૂર ન કરી શકે તો તેમની ફરજ પ્રત્યે સવાલો ઉઠી રહ્યા છે. વરસાદી વાતાવરણમાં હાલ સિનિયર સિટીઝન, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને રાહદારીઓ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારામાં રસ્તામાં પાણી ભરાઈ ગયેલા હોવાથી જાનહાનિનો ભય રહેલો છે. 

ઝેરી જીવજંતુ કરડવાની પણ ભીતિ છે. ત્યારે સત્વરે સ્ટ્રીટ લાઈટો શરૂ કરાય તેવી માંગણી ઉઠી છે.