Gujarat

બાવળા-બગોદરા હાઇવે પરના 5 બ્રિજની સ્ટ્રીટ લાઇટો લાંબા સમયથી બંધ

By GS TEAM
19 Jul 20252 mins read
બાવળા-બગોદરા હાઇવે પરના 5 બ્રિજની સ્ટ્રીટ લાઇટો લાંબા સમયથી બંધ

- અમદાવાદ-રાજકોટ હાઇવે પર એનએચઆઇની ઘોર બેદરકારી

- ભાયલા બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ લગાવી પણ વીજ જોડાણ જ ન અપાયું : દુર્ઘટના સર્જાય તે પહેલા સ્ટ્રીટ લાઇટ શરૂ કરાવા માંગ

બગોદરા : બાવળા-બગોદરા હાઇવે પર આવેલા પાંચ બ્રિજમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બંને બાજુ સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે પણ લાઈટો બંધ હાલતમાં હોય વાહન ચાલકો રાત્રે અંધાર પટમાં પસાર થવા મજબૂર બન્યા છે. તેમજ બ્રિજ પર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ૪૭ પર આવેલા બગોદરા, રોહીકા, ભમાસરા, કેરાળા અને ભાયલા બ્રિજની સ્ટ્રીટ લાઇટો લાંબા સમયથી બંધ છે. ભાયલા બ્રિજ જ્યારથી બનાવવામાં  આવ્યો છે ત્યારથી તેને લાઈટનું કનેક્શન આપવામાં આવ્યું નથી જેના કારણે આ વિસ્તારોમાં રાત્રિના સમયે અંધારપટ છવાયેલો રહે છે. આ બ્રિજો પર લાઇટો બંધ રહેતા રાત્રે વાહન ચાલકો માટે ખતરનાક સાબિત થઈ રહી છે અને સતત અકસ્માતનો ભય રહે છે. વાહન ચાલકો રોડ ટેક્સ, ટોલ ટેક્સ ભરવા છતાં હાઇવે પરની વિવિધ સુવિધાઓ મળતી નથી. બ્રિજ પર 

અંધારપટના કારણે અનેક નાના મોટા અકસ્માતો નોંધાયા છે. ત્યારે સ્ટ્રીટ લાઇટના અભાવે મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે?

અત્રે નોંધનીય છે કે આ હાઇવે અમદાવાદ અને મધ્ય ગુજરાતને રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર સાથે જોડે છે. આ રોડ પરથી દૈનિક હજારોની સંખ્યામાં ખાનગી વાહનો, સરકારી વાહનો તેમજ ટ્રાન્સપોર્ટના વાહનો પસાર થાય છે. ત્યારે કોટી મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નેશનલ હાઈવે ઓથોરિટી સ્ટ્રીટ લાઇટ શરૂ કરાવે તેવી વાહન ચાલકોમાં માંગણી ઉઠવા પામી છે.