Gujarat

આણંદમાં 4.50 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઈટનું કામ ચોમાસામાં શરૂ કરાયું

By GS TEAM
8 Jul 20252 mins read
આણંદમાં 4.50 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઈટનું કામ ચોમાસામાં શરૂ કરાયું

- શહેરમાં ખાડાંરાજ વચ્ચે મનપા દ્વારા વધુ ખાડાં

- ધારા ઈલેક્ટ્રિક- અંકલેશ્વરને કામ સોંપાતા વિદ્યાનગર રોડ પર 40 વીજ પોલ ઉભા કરવા ખોદકામ

આણંદ : આણંદ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની ધીમે ધીમે પોલ ખૂલ્લી પડી રહી છે. શહેરમાં ઠેર ઠેર ખાડાંરાજ છવાયેલું છે. ત્યારે આણંદ શહેરમાં રૂા. ૪.૫૦ કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઈટ નાખવાનું ધારા ઈલેક્ટ્રિક- અંકલેશ્વરને મનપાએ કામ સોંપ્યું છે. વિદ્યાનગર રોડ ઉપર ઓમકારેશ્વર મહાદેવ રોડ ઉપર ભરચોમાસે ૪૦ વીજ પોલ નાખવા માટે ખોદકામ શરૂ કરાતા લોકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.

ઓમકારેશ્વર મહાદેવ રોડના રહીશોએ જણાવ્યું હતું કે, ચોમાસુ હાલ ચાલી રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી અગાઉ કરવાને બદલે હવે રોડ ખોદવામાં આવી રહ્યો છે. બાદમાં ૪૦ જેટલા વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી શરૂ કરાશે. ત્યારે વરસાદ પડશે તો તમામ ખાડાઓ પાણીથી ભરાઈ જશે અને પછી કામ બંધ થતા આખરે આ વિસ્તારના લોકોને જ ભોગવવું પડે તેવી સ્થિતિ સર્જાશે. મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે કરવાની કામગીરી ચોમાસામાં કરાતી હોવાથી શહેરીજનોને વ્યાપક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડી રહ્યું છે.  આણંદ મહાનગરપાલિકા વિસ્તારના રસ્તા ઉપર ખોદકામને કારણે ઠેર ઠેર ખાડાંઓમાં વરસાદમાં પાણી ભરાતા શહેરીજનોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. શહેરના મોટાભાગના વિસ્તારના રોડ પણ ધોવાઈ ગયા છે. 

આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરવાલે જણાવ્યું હતું કે, ઓમકારેશ્વર મહાદેવ પાસે અંધારપટ હોવાને કારણે શરૂ કરાયેલું સ્ટ્રીટ લાઈટનું કામ વહેલી તકે પૂરું કરવામાં આવશે. શહેરમાં મોટાભાગના ખાડાઓનું પુરાણ કરી દેવાતા રસ્તાઓ ઉપર ખાડાં રહ્યા નથી.

આણંદના તમામ વિસ્તારમાં દિવાળી પહેલા સ્ટ્રીટ લાઈટો ગોઠવી દેવા મનપાનો દાવો

આણંદ મહાનગરપાલિકાના સામરખા, ભાલેજ, આણંદ- વિદ્યાનગર, ઓમકારેશ્વર મહાદેવ, જીટોડીયા, જનતા ચોકડી સહિતના આણંદ શહેરના તમામ વિસ્તારો માટે સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી શરૂ કરાઈ છે. દિવાળી પહેલા શહેરના તમામ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટો ગોઠવી દેવાનું મનપા કમિશનરે જણાવ્યું છે.