Gujarat

નડિયાદ શહેરમાં ચોમાસુ આવતા જ રખડતા ઢોરનો ત્રાસ વકર્યો

By GS TEAM
20 Jun 20252 mins read
નડિયાદ શહેરમાં ચોમાસુ આવતા જ રખડતા ઢોરનો ત્રાસ વકર્યો

મનપાની બેદરકારી, નાગરિકો ભયભિત

સંતરામ રોડ, ચકલાસી ભાગોળ, સહિતના માર્ગો પર ઢોરના અડિંગાથી અકસ્માતની ભીતિ

નડિયાદ: નડિયાદ શહેરમાં ફરી એકવાર રખડતા ઢોરોનો ત્રાસ વકરતા જાહેર માર્ગો પર નાગરિકો માટે જોખમ ઊભું થયું છે. રખડતા ઢોરના લીધે કોઈ જાનહાનિ થાય તે પહેલા સમસ્યાનો ઉકેલ લાવવા માંગણી ઉઠી છે. 

નડિયાદ શહેરમાં અગાઉ રખડતા ઢોરના કારણે અનેક સામાન્ય નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે, અને દુર્ભાગ્યવશ કેટલાક કિસ્સાઓમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આ સમસ્યા શહેરીજનો માટે જીવલેણ બની રહી છે. શહેરના મુખ્ય વિસ્તારો સંતરામ રોડ, મહાગુજરાત સર્કલ, વાણિયાવાડ, ચકલાસી ભાગોળ, બસ સ્ટેન્ડ, આર.ટી.ઓ. કચેરી, દેસાઈ વગો, પારસ સર્કલ, શીતલ ગ્રાઉન્ડ સામે, અને જવાહરનગર સહિતના અનેક સ્થળોએ રખડતા ઢોરોના ટોળાએ અડ્ડો જમાવ્યો છે.રખડતા ઢોરના મામલે ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી જાહેર હિતની અરજી વખતે પણ નડિયાદના તત્કાલિન સત્તાધીશોને કોર્ટ દ્વારા કડક શબ્દોમાં ફિટકારવામાં આળ્યા હતા. નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની હોવા છતાં, હજુ સુધી રખડતા ઢોરના નિયંત્રણ મામલે રાજ્ય સરકાર અને હાઈકોર્ટની ગાઈડલાઈનનું કોઈ પાલન થતું નથી. તંત્રની આ નિષ્ક્રિયતા સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે. 

- ઢોર અંગેની ગાઈડલાઈનનું પાલન કરાય તેવી માંગણી

રાજ્ય સરકારની ઢોર પોલિસી હેઠળ રખડતા ઢોરો પર અંકુશ લાવવા માટે કેટલાક સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે રખડતા ઢોરોને ટેગ મારવા, ઢોર માલિકોને નક્કી કરવા, અને ઢોરોના માલિકો પાસે ઢોરોની સંખ્યા સહિતની તમામ વિગતોનું રજિસ્ટ્રેશન કરાવવા જેવા આદેશોનો સમાવેશ થાય છે. આ નિયમોનો કડક અમલ કરવાથી જ રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય તેમ છે.