મહુવામાં રખડતા ઢોરનો ત્રાસ, એટીએમમાં અડીંગો જમાવ્યો
- જાહેર રસ્તા પર આખલા યુદ્ધથી રાહદારી-વાહનચાલકો ભયભીત
- નપાણિયા નગરપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી
મહુવામાં ગાંધીબાગ રોડ, જનતા પ્લોટ, માસુમદાદાની વાડી, ભીમરાવ સોસાયટી સહિતના મોટાભાગના રસ્તાઓ પર રાત-દિવસ રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા રહે છે. ચોમાસાની સિઝનમાં ઢોરનો ત્રાસ વધ્યો હોય, જાહેર રસ્તાઓ ઉપર આખલા યુદ્ધ પણ થતું રહે છે. બે આખલાની લડાઈના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ઢીંકે ચડી જીવ ગુમાવવાનો ભય રહે છે. ગાંધીબાગ રોડ પર બેન્કના એટીએમની કેબિનને પણ રેઢિયાળ ઢોર પોતાનો અડ્ડો બનાવીને બેઠા રહે છે. ઢોરનો ત્રાસ વધી રહ્યો હોવા છતાં મહુવા નગરપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી. ભૂતકાળમાં નિર્દોષ નાગરિકોને ઈજા થવાના અને મૃત્યુ થવાના પણ બનાવો બનેલા છે. ત્યારે લોકોને ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે ઢોરને પકડી ડબ્બે પૂરવામાં આવે અને પશુપાલકો સામે પણ કડક પગલા ભરાઈ તેવી માંગણી ઉઠી છે.