જાહેર માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ, વાહન ચાલકોને અકસ્માતનો ભય
બે બાઈક સાથે ગાય અથડાતા એક મહિલા સહિત ત્રણને ઓછીવત્તી ઇજા

મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડીરાત્રે નાલંદા પાણીની ટાંકી પાસે નાલંદા પાણીની ટાંકીથી ઉમા ચારરસ્તા તરફ જવાના માર્ગ ઉપર બે બાઈક સાથે ગાય અથડાતા બાઈક સવારો પટકાયા હતા. આ અકસ્માતમાં બંને બાઈક પર સવાર એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ઓછીવત્તી ઈજા પહોંચી હતી. હાલ ગધેડા માર્કેટ ચારરસ્તાથી નાલંદા પાણીની ટાંકી તરફના માર્ગ પર રખડતા પશુ લોકજીવન માટે આફતરૂપ બન્યા છે. અગાઉ પણ આ માર્ગ ઉપર પશુઓના કારણે અકસ્માત થયા છે. રખડતા પશુઓના કારણે કેટલીકવાર નિર્દોષ લોકો ભોગ બનતા લોકોમાં રોષ જોવા મળે છે. કોર્પોરેશન રખડતા પશુઓની કામગીરી કરે તો પશુપાલક નારાજ થાય છે અને ન કરે તો સ્થાનિકો પરેશાન થાય છે. કોર્પોરેશન દ્વારા ઢોર પાર્ટી પાછળ કરોડો રૂપિયા ખર્ચાતા હોવા છતાં લોકો જીવના જોખમ સાથે રોજિંદુ જીવન પસાર કરી રહ્યા છે.