ખ-રોડમાં ગટર લાઇનના આડે સ્ટ્રોમ લાઇન નડી, તંત્ર વચ્ચે સંકલનનો અભાવ
મેઇન ગટરની કામગીરીમાં નવું નડતર આવ્યું : શિફ્ટીંગ
અનિવાર્ય બન્યું
પાટનગરમાં ચોમાસુ પણ માથે આવી રહ્યું હોવાથી વરસાદી પાણીના નિકાલની લાઇન એક્ટિવ રહે તે જરૃરી હોવાથી હવે તંત્ર કામે લાગી ગયું
ગાંધીનગર : પાટનગરમાં નવેસરથી ગંદા પાણીના નિકાલનું નેટવર્ક સ્થાપવામાં આવી રહ્યું છે અને કામ પૂર્ણતાએ પહોંચવામાં છે. ખ રોડ પર ગટરની મેઇન લાઇન નાંખવાની કામગીરી ચાલે છે. ત્યારે નવું નડતર આવ્યું છે. તેમાં મેઇન લાઇન આડે સ્ટ્રોમ વોટર લાઇન આવી જતાં હાલ કામ અટકી પડયું છે. સુત્રોએ કહ્યું કે વરસાદી પાણીના નિકાલની લાઇનને ખસેડીને આગળ વધી ફરી તેનું રિસ્ટોરેશન કરવા તંત્ર કામે લાગ્યું છે.
પાણી પુરવઠા વિભાગ દ્વારા શહેરમાં પાણીના વિતરણ માટે નવું
નેટવર્ક સ્થપાઇ રહ્યું છે. જ્યારે પાટનગર યોજના વિભાગને ગંદા પાણીના નિકાલ માટેના
નવા નેટવર્કની કામગીરી સોંપવામાં આવી છે. આ બન્ને યોજના પાછળ રૃપિયા ૫૦૦ કરોડનો ખર્ચ
અંદાજવામાં આવ્યો છે અને બંને યોજના વિલંબે ચાલી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી
નગરવાસીઓ આ યોજનાઓ સંબંધી કરવામાં આવતાં ખોદકામને લઇને હેરાન, પરેશાન થઇ ચૂકેલા
છે. પરંતુ હવે કામગીરી પુરી થવા આવી છે.
ખ રોડ પર મહાત્મા
મંદિર આવેલું છે અને મેટ્રો ટ્રેનને ત્યાં સુધી પહોંચાડવાની કામગીરી પણ ચાલી રહી
હોવાથી ગટરની લાઇનો નાંખવાની કામગીરી કાળજીપૂર્વક કરાઇ રહી છે અને તેના કારણે વધુ
વિલંબ પણ થઇ રહ્યો છે. ગટરની લાઇન નાંખવા થઇ રહેલા ખોદકામ દરમિયાન વરસાદી પાણીના
નિકાલની સ્ટ્રોમ વોટર લાઇન આડે આવી જતાં કામ રોકાયું છે.
હવે પહેલા વરસાદી
પાણીના નિકાલની લાઇનને રસ્તામાંથી ખસેડવામાં આવશે. ત્યારે બાદ ગટરની મેઇન લાઇન
નાંખવામાં આવશે અને ફરીથી સ્ટ્રોમ વોટર લાઇનને જેમની તેમ સ્થિતિમાં લાવવામાં આવશે.
કેમ કે માથે ચોમાસુ આવી રહ્યું હોવાથી સ્ટ્રોમ વોટર લાઇનને એક્ટિવ રાખવી પણ
અનિવાર્ય બન્યું છે.