Get The App

વડોદરા રેલવે સ્ટેશન રોકાતી ૧૪૦ ટ્રેનોના સ્ટોપેજ બદલાયા

એક્તાનગર ખાતે અવર-જવર કરતી ૬ ટ્રેનોના રૂટ બદલાયા

યાર્ડ રિ- મોડેલિંગના કારણે પ્લેટફાર્મ નં.૫-૬ બંધ કરાયા

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા રેલવે સ્ટેશન રોકાતી ૧૪૦ ટ્રેનોના સ્ટોપેજ બદલાયા 1 - image

વડોદરા રેલવે સ્ટેશન પર ચાલી રહેલી યાર્ડ રિ-મોડેલિંગ કામગીરીના કારણે એક્તાનગરની ૬ ટ્રેનોને ડાયવર્ટ કરાઈ છે, જ્યારે ૧૪૦ ટ્રેનોને વડોદરા રેલવે સ્ટેશનના બદલે વિશ્વામિત્રી, છાયાપુરી અને બાજવા સ્ટેશનો પર હોલ્ટ અપાયો છે.

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ કામગીરીના ભાગરૂપે પ્લેટફોર્મ નંબર ૫ અને ૬ની રેલ લાઈન પર પોઈન્ટ અને ક્રોસઓવરની કામગીરી શરુ કરાઈ છે, જેથી તા.૨૩ જૂનથી આ બંને પ્લેટફોર્મ પર ટ્રેનોનું સંચાલન બંધ રહેશે.

જેના પરિણામે એકતાનગરથી અવર-જવર કરતી ૬ સાપ્તાહિક ટ્રેનો વડોદરા આવવાના બદલે ડભોઈ- મિયાગામ કરજણ રૂટ પર દોડશે, જેમાં એકતાનગર-વારાણસી, એકતાનગર- પુરૈચી થલાઈવર ડો. એમ.જી.આર અને એકતાનગર- રીવા ટ્રેનોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, તા. ૨૩ જૂનથી ૧ જુલાઈ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન આવનારી ટ્રેનોને વડોદરાની નજીકના સ્ટેશનો પર સ્ટોપેજ અપાયા છે.

વડોદરા સ્ટેશન પર આવનારી ૪૩ ટ્રેનોને વિશ્વામિત્રી, ૮૪ ટ્રેનોને છાયાપુરી અને ૧૩ ટ્રેનોને બાજવા સ્ટેશન પર સ્ટોપેજ અપાયા છે, જ્યારે તા. ૨૯ જૂને નિઝામુદ્દીન-એકતાનગર સ્પેશ્યલ ટ્રેનને પ્રતાપનગર સ્ટેશન પર સ્ટોપેજ અપાયું છે.