જીઇબી પાસે બંધ મકાનનું તાળું તોડી દસ લાખની મત્તાની ચોરી
ગાંધીનગરમાં તસ્કરોના વધતા જતા તરખાટ વચ્ચે
પરિવાર સામાજિક પ્રસંગે ગયો હતો તે દરમિયાન ચોરીની ઘટના, પરંતુ પાંચ દિવસથી પોલીસે ફરિયાદ લીધી નથી
ગાંધીનગર : ગાંધીનગર શહેરના જીઇબી પાસેના વિસ્તારમાં પરિવાર મકાનને બંધ કરીને સામાજિક પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને દસ લાખની મત્તા ચોરી ગયા હતા. જોકે પરિવાર ઘરે પહોંચ્યો ત્યારે ચોરીની જાણ થઈ હતી પરંતુ હજી સુધી પોલીસ દ્વારા આ મામલે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ
વધી રહી છે ત્યારે જીઇબી પાસે થયેલી ચોરીના ગુનામાં પોલીસ ગુનો દાખલ નહીં કરતી
હોવાની ફરિયાદ મળી રહી છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે જીઇબી પાસેના વિસ્તારમાં
રહેતા મૂળ રાધનપુર ગોકુળપુરાના મગનભાઈ હરિભાઈ ઠાકોર ઈલેક્ટ્રીક ફીટીંગનો વ્યવસાય
કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગત ૧૯ ઓગસ્ટના રોજ તેઓ તેમના પરિવાર સાથે બાયડમાં
સસરાના ઘરે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા અને મકાનને તાળું મારી
ભત્રીજાના ઘરે ચાવી આપી હતી. રાત્રે તેને મકાન ખોલીને સૂઈ જવા માટે પણ કહેવામાં
આવ્યું હતું. જોકે ભત્રીજો રાત્રે સુવા માટે ગયો ત્યારે દરવાજે લાગેલું તાળું જોવા
મળ્યું ન હતું. જેથી કાકાને ફોન કરીને જાણ કરી હતી અને તેઓ બાયડથી ગાંધીનગર આવી
ગયા હતા જ્યાં તપાસ કરતા મકાનમાં રહેલી પતરાની પેટી તૂટેલી હાલતમાં હતી અને તેમાં
રહેલા સોના ચાંદીના દાગીના તેમજ ૨.૭૦ લાખ રૃપિયાની રોકડ રકમ મળીને દસ લાખની ચોરી
થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તુરંત જ તેઓ સેક્ટર ૨૧ પોલીસ મથકે ફરિયાદ કરવા
માટે પહોંચ્યા હતા પરંતુ હજી સુધી પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવામાં આવી નથી.
શહેર અને આસપાસના વિસ્તારમાં ચોરીઓ વધી રહી છે તેમ છતાં પોલીસના તેને ઉકેલવામાં રસ
ના હોય તેમ લાગી રહ્યું છે.