લાલ દરવાજા સ્થિત ૬૦૦ વર્ષ પ્રાંચીન ગણેશ મંદિરમાં દાગીનાની ચોરી
ભોયરામાં આવેલા રૂમમાંથી ચોરી થઇ
દર્શન કરવા આવેલા તસ્કરે રેકી કરીને ચોરી કર્યાની શક્યતા કાંરજ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી
અમદાવાદ, રવિવાર
શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ૬૦૦ વર્ષ પ્રાચીન ગણેશ મંદિરમાં કોઇ તસ્કરોએ ભોયરામાં આવેલા રૂમમાંથી ભગવાનના દાગીના અને દાનપેટીની ચોરી કરી હોવાની ઘટના સામે આવતા શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ અંગે કારંજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
કાંરજ લાલ દરવાજામાં અતિ પ્રાંચીન ૬૦૦ વર્ષ જુનું ગણેશ મંદિર આવેલું છે. જેમાં ૩૫ ફુટ ઉંડા ભોયરામાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરાયેલી છે. જે આસ્થાનું પ્રતિક છે. આ મંદિરમાં વિનોદભાઇ પુણેકર પુજારી તરીકે કામ કરે છે. ગત ૨૨મી ઓગસ્ટના રોજ નિત્યક્રમ મુજબ તે રાતના સુવા ગયા હતા. ત્યારે તે મુખ્ય દરવાજો બંધ કરવાનું ભુલી ગયા હતા. બીજા દિવસે સવારે જોયુ તો મંદિર જવાના ભોયરા પાસેનો રૂમ ખુલ્લો હતો અને ત્યાંથી રૂપિયા ૭૨ હજારની કિંમતના ચાંદીના દાગીના અને દાનપેટીમાંથી નાણાંની ચોરી થઇ હતી. આ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા કારંજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.