શેઠે નોકરીમાંથી કાઢી મૂકતા બદલો લેવા 280 ગુણી મગફળીની ચોરી કરી
ઉપલેટામાં આવેલા ગોડાઉનમાંથી મગફળી ચોરીનો ભેદ ઉકેલાયો : 4 આરોપીઓની ધરપકડ : ચોરી કરેલી મગફળી જામનગરમાં વેચી દીધી હતી
રાજકોટ, : ઉપલેટા-પોરબંદર નેશનલ હાઇવે પર મુરખડા ગામના પાટિયા પાસે આવેલ યોગેશ દેસાઇના ગોડાઉનમાંથી રૂા.. 6.73 લાખની કિમતનો 280 ગુણી મગફળીની ચોરી થઇ હતી.જેનો ભેદ એલસીબીએ ઉકેલી લઇ 4 આરોપીઓને ઝડપી લીધા હતાં. ગોડાઉનમાં અગાઉ મહેતાજી તરીકે નોકરી કરતાં શખ્સને શેઠે કાઢી મૂકતા બદલો લેવા, મિત્રો સાથે મળી ચોરી કર્યાનું બહાર આવ્યું છે.
એલસીબીની તપાસમાં એવું બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી સિકંદર અગાઉ દેસાઇ ઇન્ડસ્ટ્રીઝમાં મહેતાજી તરીકે નોકરી કરતો હતો. રજા બાબતે પ્રશ્નો ઉભા થતા દોઢેક મહિના પહેલાં શેઠ યોગેશભાઈએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. જેનો ખાર રાખી તેણે ત્રણ મિત્રો સાથે ચોરી કરી હતી.
એલસીબીએ સિકંદર ઉર્ફે સિકલો ઇસ્માઇલ સમા (રહે. ભાયાવદર, મૂળ બાબરિયા ગામ, તા. લાલપુર), ઇમરાન કાસમભાઈ હમીરાણી (રહે. કાલાવડ, મૂળ ગજેણા ગામ, તા. લાલપુર), તેના ભાઈ આસીફ (રહે. બેડેશ્વર વિસ્તાર, જામનગર) અને મોહસીન ઇબ્રાહીમ નંગામરા (રહે. જોડિયા ભુંગા, તા. જામનગર)ની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ પાસેથી એલસીબીએ મગફળી વેચી મેળવેલા રૂા.. 2.36 લાખ, ચોરીમાં ઉપયોગમાં લીધેલો ટ્રક, બલેનો કાર, બાઇક અને 4 મોબાઇલ ફોન સહિત કુલ રૂા.. 18,.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં એવું બહાર આવ્યું છે કે આરોપીઓએ મગફળીની ચોરી કર્યા બાદ તેને જામનગર ખાતે ઇન્ડીયન મિલમાં વેચી દીધી હતી.