Get The App

અમદાવાદમાં શેરબજારમાં ઉંચા નફાની લાલચે નરોડાનો યુવક ઠગાયો, UPSTOXPRO એપ્લિકેશન દ્વારા 12.6 લાખની છેતરપિંડી

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં શેરબજારમાં ઉંચા નફાની લાલચે નરોડાનો યુવક ઠગાયો, UPSTOXPRO એપ્લિકેશન દ્વારા 12.6 લાખની છેતરપિંડી 1 - image

Ahmedabad Scam: આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો લોકોની લાલચનો ફાયદો ઉઠાવી લાખો રૂપિયા પડાવી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં શેરબજારમાં રોકાણ કરી રાતોરાત અમીર બનવાની ઘેલછામાં એક યુવકે પોતાની જીવનભરની મૂડી ગુમાવવાનો વારો આવ્યો છે. ગઠિયાઓએ નકલી ટ્રેડિંગ એપ્લિકેશન અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિશ્વાસ કેળવી યુવક સાથે 12 લાખથી વધુની છેતરપિંડી આચરી છે, જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

કેવી રીતે કરાઇ ઠગાઈ? 

આ ઘટનાના ફરિયાદી 24 વર્ષીય દિપક ધર્મેન્દ્રભાઈ વાળંદ છે, જેઓ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહે છે અને એક ફાર્મા કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. દિપકભાઈને શેરબજારમાં રોકાણ કરી વધુ કમાણી કરવાની ઈચ્છા હતી, જેનો ફાયદો સાયબર માફિયાઓએ ઉઠાવ્યો હતો. ગઠિયાઓએ તેમને ‘UPSTOXPRO’ નામની એક નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, વિશ્વાસમાં લઈ કુલ 12,06,500 પડાવી લીધા હતા. અંતે છેતરપિંડીનો અહેસાસ થતા દિપકભાઈએ વંશીકા ગીલ નામની મહિલા અને એપ્લિકેશનના સંચાલકો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ HIV ગ્રસ્ત મહિલાઓને સર્વાઈકલ કેન્સર થવાનું 6 ગણું વધારે જોખમ, સિવિલના ડૉક્ટરોનો દાવો

આ છેતરપિંડીની શરૂઆત સપ્ટેમ્બર મહિનામાં થઈ હતી જ્યારે દિપકભાઈ સોશિયલ મીડિયા પર સર્ફિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક અજાણી લિંક પર ક્લિક કરતા તેઓ ‘MINDSET MASTERS 8043’ નામના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ ગયા હતા. આ ગ્રુપમાં શેરબજારમાં રોકાણ કરી લાખોનો નફો મેળવતા લોકોના નકલી મેસેજ જોઈને દિપકભાઈ લલચાયા હતા. આ સમયે વંશીકા ગીલ નામની મહિલાએ તેમનો સંપર્ક કરી રોકાણ પર માત્ર 10% કમિશનની શરતે ઉંચા નફાની ખાતરી આપી હતી.

10,000ના રોકાણથી વિશ્વાસ જીત્યો

ગઠિયાઓએ દિપકભાઈનો વિશ્વાસ જીતવા માટે એક ચોક્કસ વ્યૂહરચના અપનાવી હતી. તેમણે દિપકભાઈ પાસે એક નકલી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી શરૂઆતમાં 10,000નું રોકાણ કરાવ્યું હતું. બીજા જ દિવસે તેના પર 950નો નફો બતાવી દિપકભાઈને તે રકમ પરત પણ કરવા દીધી હતી. આ વ્યવહારને કારણે દિપકભાઈને એપ્લિકેશન સાચી હોવાનો ભરોસો બેસી ગયો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 1 વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, પ્રતિ કલાકે જન્મતા બાળકોમાં 70 દીકરા, 64 દીકરી

સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ

ત્યારબાદ, તારીખ 02/09/2025થી 19/09/2025ના ટૂંકા ગાળામાં ગઠિયાઓએ આઈપીઓ (IPO) અને વિવિધ સ્ટોક્સમાં રોકાણના બહાને દિપકભાઈ પાસે કુલ 20 ટ્રાન્ઝેક્શન કરાવી 12,06,500 અલગ-અલગ બેંક ખાતાઓમાં જમા કરાવી લીધા હતા. જ્યારે એપ્લિકેશનના વોલેટમાં નફા સાથે કુલ રકમ 54,19,000 દેખાવા લાગી, ત્યારે દિપકભાઈએ તે રકમ ઉપાડવા પ્રયાસ કર્યો હતો. જોકે, ગઠિયાઓએ આ રકમ ‘હોલ્ડ’ પર હોવાનું કહી વધુ નાણાંની માંગણી શરૂ કરી હતી. અંતે, પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા દિપકભાઈએ સાયબર પોલીસ ફરિયાદ નોંધાવી હતી.