માતાએ ઠપકો આપતાં ધો. 10ની છાત્રાનો ઝેરી દવા પી આપઘાત

ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં જવાનું કહી અન્ય સ્થળે ફરવા ચાલી જતા : જમ્યા બાદ ઉલ્ટીઓ કરવા લાગતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ :સારવાર દરમિયાન મોત
રાજકોટ, : ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં જવાનું કહી અન્ય સ્થળે ફરવા ચાલી ગયેલી ધો. 10ની છાત્રાને માતાએ ઠપકો આપતા ઝેરી દવા પી લઇ જીંદગી ટુંકાવી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બોલબાલા માર્ગ પર રેઇનબો એવન્યુ-4માં રહેતી સાક્ષી કિશોરભાઈ ઘાડીયા નામની 15 વર્ષની તરૂણીએ ગઇકાલે ઘરે ઘઉંમાં નાખવાની ટીકડી પી લેતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં આજે તેનં મૃત્યુ નિપજ્યું હતું. જાણ થતા ભક્તિનગર પોલીસે હોસ્પિટલે પહોંચી જરૂરી કાગળો કર્યા હતાં.
એક ભાઈ અને બહેનમાં મોટી સાક્ષીના પિતા કેટરીંગનું કામ કરે છે. તે ધો. 10માં અભ્યાસ કરતી હતી. સાક્ષી ઘરેથી તેની ફ્રેન્ડનો બર્થ ડે હોવાથી ત્યાં પાર્ટીમાં જવાનું કહીને ઘરેથી નિકળ્યા બાદ અન્ય સ્થળે ફરવા જતી રહી હતી. જે અંગે તેની માતાને જાણ થતા તેણે સાક્ષીને ઠપકો આપી ફરી વખત આવું નહીં કરવા સમજાવી હતી. પરંતુ માઠુ લાગી આવતા સાક્ષીએ ઘરે ઝેરી દવા પી લીધી હતી. રાત્રે જમ્યા બાદ તે ઉલ્ટીઓ કરવા લાગતા તેને તત્કાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.








