વડોદરા, તા.8 વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરમાં જ દારૃનું મોટું કટિંગ ચાલતું હોવાનો પર્દાફાશ સ્ટેટ વિજિલન્સે કરતા જિલ્લા પોલીસમાં ફફડાટ ફેલાયો છે. વિજિલન્સે ૧૦ વાહનો, દારૃનો જથ્થો કબજે કરી નવ શખ્સોની ધરપકડ કરી છે જ્યારે ૧૧ને ફરાર જાહેર કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયામાં બસ સ્ટેશન પાછળ દેવડીયારોડ પર આનંદનગરી ખાતે વિનોદ વસાવા તેમજ કરણ બારીયા દારૃનો મોટો જથ્થો સંગ્રહ કરે છે તેમજ ઉત્તરાયણ માટે મધ્યપ્રદેશથી મંગાવીને તેને અલગ અલગ નાના બૂટલેગરોને પહોંચાડવાની પેરવી કરી રહ્યા છે તેવી માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમે ગઇકાલે બપોરે અચાનક દરોડો પાડતા બૂટલેગરો તેમજ સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.
વિજિલન્સની ટીમે જોયું તો સ્થળ પર જ દારૃનું કટિંગ મોટાપાયે ચાલતું હતું અને અનેક વાહનોમાં દારૃનો જથ્થો ભરાતો હતો. જે તે સમયે સ્થળ પરથી વિજિલન્સની ટીમે રૃા.૧૭.૭૨ લાખ કિંમતની દારૃની ૬૧૨૯ બોટલો, સાત કાર, ત્રણ ટુ વ્હીલર અને એક ડઝન મોબાઇલ મળી કુલ રૃા.૪૧.૯૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્થળ પરથી દારૃના ધંધાર્થી પાર્ટનરો તેમજ અન્ય શખ્સો મળી કુલ નવને ઝડપી પાડયા હતાં. જ્યારે મધ્યપ્રદેશના સપ્લાયર સહિત કુલ ૧૧ને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે વાઘોડિયા તાલુકામાં ભારત-ન્યુઝીલેન્ડની વન-ડે મેચ રવિવારે રમાવાની છે તેમજ પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી માટે વાઘોડિયાની પસંદગી કરવામાં આવી છે. આવા સમયે જ વિજિલન્સની ટીમે ત્રાટકી દારૃના મોટો ધંધાનો પર્દાફાશ કર્યો છે.


