વડોદરા,સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરા શહેર પોલીસના ઝોન - ૧ વિસ્તારમાં છેલ્લા છ મહિના દરમિયાન ત્રણ રેડ કરવામાં આવી છે. ત્રણ રેડમાં ૧ કરોડ ઉપરાંતનો વિદેશી દારૃનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઝોન -૧ ની હદમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા માટે સ્પેશ્યલ એલ.સી.બી.ની રચના કરવામાં આવી હોવાછતાંય તેઓને દારૃની માહિતી મળતી નથી. દરવખતે શહેર પોલીસનું નાક કપાય છે, પણ એલ.સી.બી.ની ટીમની સામે કોઇ જ કાર્યવાહી થતી નથી.
દારૃ, જુગાર અને નારસોટિસ જેવી ગેરકાયદે પ્રવૃત્તિને કંટ્રોલ કરવા માટે શહેર પોલીસને ચાર ઝોનમાં વિભાજીત કરી દેવાયું છે. દરેક ઝોનમાં ૭ પોલીસ સ્ટેશન છે. ઝોન -૧ માં નંદેસરી, જવાહરનગર, સયાજીગંજ, ફતેગંજ, છાણી, લક્ષ્મીપુરા, ગોરવાનો સમાવેશ થાય છે. લોકલ પોલીસ સ્ટેશનમાં પણ સર્વેલન્સ સ્કવોડ ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવા માટે હોય છે. પરંતુ, તે સ્કવોડ પર સ્થાનિક પોલીસ સ્ટેશનની પણ નાની મોટી કાર્યવાહીની જવાબદારી હોય છે. તેવા સંજોગોમાં ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવાની સૌથી મોટી જવાબદારી એલ.સી.બી. પર આવે છે. તેમછતાંય એલ.સી.બી. ની ટીમ ઊઁઘતી ઝડપાય છે.
છેલ્લા છ મહિનાની કાર્યવાહી પર નજર રાખીએ તો વડોદરાથી ૧૦૦ કિલોમીટર દૂર આવેલા સ્ટેટ મોનિટરિંગ સેલને વડોદરામાં દારૃની માહિતી મળે છે. પરંતુ, સ્થાનિક પોલીસ, બ્રાંચ અને એલ.સી.બી.ની ટીમ ઊંઘતી રહે છે. છ મહિના દરમિયાન છાણીમાં એક અને જવાહરનગરમાં દારૃની બે રેડ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી છે. જેમાં ૧.૧૦ કરોડનો વિદેશી દારૃનો જથ્થો જપ્ત કરાયો છે. આ ત્રણેય કેસમાં કુલ ૪૦ આરોપીઓ છે. જે પૈકી હજી ઘણા આરોપીઓ પકડાયા નથી. શહેર પોલીસ આરોપીઓને અન્ય રાજ્યમાંથી પકડી લાવે છે. પંરતુ, બૂટલેગરોને પકડવામાં પોલીસ નિષ્ફળ નીવડે છે.
પેેટ્રોલ ડીઝલ ચોરીનુંંકૌભાંડ પણ એસ.એમ.સી.એ પકડયું હતું
વડોદરા,
જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં રણોલી વિસ્તારમાં અમ્મા રોડવેઝ નામની ઓફિસ ધરાવતા શકીલ અને તેના મળતીયાઓ દ્વારા ભારત પેટ્રોલિયમ અને અન્ય કંપનીઓમાંથી નીકળતી ટેન્કરોમાંથી પેટ્રોલ-ડીઝલ કાઢી લેવાના કૌભાંડનો સ્ટેટ મોનિટરિંંગ સેલ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં પણ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. આ કેસમાં ૪૪.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
વડોદરામાં બૂટલેગરોની હરિફાઇના કારણે રેડ પડે છે
વહીવટદારો અને દારૃનો ધંધો કરતા બૂટલેગરો વચ્ચે એક મિટિંગ યોજાઇ
વડોદરા,
એકતરફ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ઉપરાછાપરી દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે એવી વાત ચર્ચામાં આવી છે કે, ત્રણ દિવસ પહેલા વહીવટદારોએ શહેરના બૂટલેગરોને મિટિંગ માટે બોલાવ્યા હતા. જેમાં દારૃના ધંધાની માહિતી વડોદરાના લોકલ બૂટલેગરો હરિફાઇના કારણે એસ.એમ.સી. સુધી પહોંચાડતા હોવાની વાતની પણ ચર્ચા થઇ હતી. તાજેતરમાં જ વહીવટદારો અને બૂટલેગરો વચ્ચે એક મિટિંગ યોજાઇ હોવાની માહિતી મળી છે. તેમાં એવી ચર્ચા થઇ હતી કે, દારૃ માત્ર કંપની પાસેથી જ લેવાનો. આ કંપનીના કેટલાક મળતિયાઓ હાલમાં પણ દારૃનો ધંધો કરી રહ્યા છે.


