રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા
નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ
માનુષ શાહ , અનુષા કુટુંબળે ,પ્રિયાનુજ તથા સિન્ડ્રેલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે મેડલ અને ટ્રોફી એનાયત કરાયા હતા.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા. 8 થી 15 ઓગસ્ટ સુધી સીઝનની પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ - 2025નું આયોજન કરાયું છે. રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે મહિલા સિંગલ્સ ,પુરુષ સિંગલ્સ અને અંડર 19 શ્રેણીના વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી એનાયત કરાયા હતા. માનુષ શાહએ પુરુષ સિંગલ્સમાં બીજી ટ્રોફી તથા અનુષા કુટુંબળેએ મહિલા સિંગલ્સમાં પહેલી ટ્રોફી હાંસિલ કરી હતી. ટોપ સીડ અને રાષ્ટ્રીય ચેમ્પિયન માનુષ અને રોનિતે, પાયસ જૈન અને એસએફઆર સ્નેહીતને હરાવી પુરુષ સિંગલ્સથી ફાઇનલમાં જ્યારે અનુષા અને સ્વસ્તિકાએ, ટોપ સીડ દિયા ચિતાલે અને યશસ્વીની ઘોરપડેને હરાવી મહિલા સિંગલ્સ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તદુપરાંત બોયઝ સિંગલ્સની ફાઇનલમાં આસામના પ્રિયાનુજ ભટ્ટાચાર્યએ મહારાષ્ટ્રના કુશળ ચોપડાને હરાવી જીત મેળવી કરી હતી. જ્યારે પશ્ચિમ બંગાળની સિન્ડ્રેલા દાસે મહારાષ્ટ્રની દિવ્યાંશી ભૌમિકને હરાવી બીજો નેશનલ એવોર્ડ હાંસિલ કર્યો હતો.