વડોદરા, તા.17 કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વડોદરામાં બનનારા સ્ટેશનમાં આવતો અવરોધ આખરે દૂર થયો છે જેના કારણે હવે આ પ્રોજેક્ટનું કામ બુલેટ ગતિએ શરૃ થાય તેમ લાગે છે. વડોદરામા શાસ્ત્રી બ્રિજ પાસેની માર્ગ અને મકાન હસ્તકની જમીન રાજ્ય સરકારે માંડ માંડ આપ્યા બાદ હવે બુલેટ ટ્રેનના સંભવિત સ્ટેશન પાસે બહુમાળી ચાર માળના પાર્કિગ માટેની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાળવવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.
માર્ગ અને મકાન વિભાગ હસ્તક વડોદરાના શાસ્ત્રી બ્રિજ પાસેની કુલ ૨૪૩૭૮.૪૮ ચો.મી. જમીનનો લગભગ ઉપયોગ થતો નથી અને આ જમીન બુલેટ ટ્રેનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાની હોવાથી કુલ જમીન પૈકી કેટલીક જમીન રાજ્ય સરકાર પાસે માગવામાં આવી હતી. વર્ષોના પત્ર વ્યવહારો બાદ આખરે ગયા વર્ષે માર્ગ અને મકાન વિભાગની ૧૭૯૦૮.૪૮ ચો.મી. જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સોંપવામાં આવી છે અને બાકીની ૬૪૭૦ ચો.મી.જમીન માર્ગ અને મકાન વિભાગ હસ્તક રાખવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા જે જગ્યાએ જમીન ફાળવવામાં આવી નથી તે જગ્યા પર જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પ્રવાસીઓનો ડ્રોપ ઓફ એરિયા બનવાનો છે મલ્ટી લેવલ કાર પાર્કિગના પ્લાન માટે ખરેખર જે જમીનની જરૃર છે તે જમીન તો માર્ગ અને મકાન વિભાગે પોતાના હસ્તક જ રાખી હતી જેના પગલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા માર્ગ અને મકાન વિભાગ હસ્તકની જગ્યા દક્ષિણ તરફ લેવા વિનંતી કરવામાં આવી છે પરંતુ તેને માર્ગ અને મકાન વિભાગ ગણકારતું ન હતું.
દરમિયાન કેટલાય પત્રવ્યવહારો બાદ આખરે ગાંધીનગરમાં પડી રહેલો મુદ્દો ઉકેલવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનની અદલાબદલી કરવાનું નક્કી કરી સરકારે મહોર મારી દીધી છે અને તે અંગે હવે પછીની કાર્યવાહી કલેક્ટરને કરવાની સૂચના આપવામાં આવી છે. ત્રણ વર્ષના લાંબા અંતરાલ બાદ આખરે પ્રોજેક્ટ માટે યોગ્ય જમીન મળતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ વેગીલુ બનશે.


