Get The App

ઇ-ચલણના નામે છેતરપિંડીના કેસથી બચવા માટે ગાઇડલાઇન જાહેર કરાઇ

ગુગલ પ્લે પ્રોટેક્શન ઓન રાખવા સુચના

મોબાઇલ ફોનમાં કવચ ૨.૦ એપ્લીકેશન ડાઉનલોડ કરીને શંકાસ્પદ ફાઇલ સ્કેન કરવા માટે તાકીદ કરવામાં આવી

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
ઇ-ચલણના નામે છેતરપિંડીના કેસથી બચવા માટે ગાઇડલાઇન જાહેર કરાઇ 1 - image

અમદાવાદ,શુક્રવાર

ટ્રાફિકનું ઇ-ચલણ બાકી હોવાની બનાવટી લીંક મોકલીને ઓનલાઇન છેતરપિંડીના કેસમાં ચિંતાજનક વધારો થતા ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ  એક્શન મોડમાં આવ્યું છે. જે અનુસંધાનમાં ગુજરાતના તમામ જિલ્લા પોલીસ વડા અને  પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓને તાકીદ કરીને ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી છે.


ઓનલાઇન છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા ટ્રાફિક વિભાગના ઇ-ચલણના નામે લીંક મોકલીને છેતરપિંડી કરવાના કેસમાં છેલ્લાં ઘણા સમયથી વધારો થયો છે. જેમાં વોટ્સએપ અને મેસેજથી  વિવિધ આરટીઓ ઇ ચલણને લગતી એપીકે ફાઇલ મોકલવામાં આવે છે. જેથી કોઇ વ્યક્તિ ફાઇલ ડાઉનલોડ કરે તો ફોનનો કંટ્રોલ ઓનલાઇન છેતરપિડી કરતી ગેંગ પાસે આવી જાય છે અને તે બેંકમાંથી નાણાં ખાલી કરી દે છે. આ પ્રકારની છેતરપિંડીના કિસ્સામાં વધારો થતા સ્ટેટ સાયબર ક્રાઇમ અને અન્ય એજન્સીઓ એલર્ટ થઇ છે.

જે અનુસંધાનમાં સ્ટેટ સાયબર ક્રાઇમના પોલીસ અધિક્ષક  ધર્મેન્દ્ર શર્માએ ગુજરાત તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરને પત્ર પાઠવીને તેમના જિલ્લા અને શહેરમાં ઇ-ચલણની બોગસ લીંકથી લોકોને જાગૃત રહેવા માટે મહત્વની ગાઇડલાઇન આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વોટ્સએપ કે એસએમએસ પર આવતી આરટીઓ ચલણની એપીકે ફાઇલ પર ક્લીક કરવુ નહી અને તેને તાત્કાલિક ડીલીટ કરવી. સાથેસાથ ગુગલ પ્લે પ્રોટેક્શન ઓન રાખવુ.  તેમજ મોબાઇલ ફોનમાં કવચ ૨.૦ એપ્લીકેશન પણ ડાઉનલોડ કરીને રાખવી. જે શંકાસ્પદ ફાઇલને સ્કેન કરે છે અને મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ કરવા દેતી નથી.  આ ગાઇડલાઇનનું તમામ લોકો પાલન કરે તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી ખાસ તાકીદ કરવામાં આવી છે

Tags :