200 કરોડના સાયબર ફ્રોડના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ, 386 વખત છેતરપિંડી કરી હતી

Cyber Crime News : ગુજરાત સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગરે એક મોટી કાર્યવાહીમાં આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમના ગુના આચરતા આરોપીઓને પકડી પાડ્યા છે. આ ગેંગે દેશના જુદા-જુદા રાજ્યોમાંથી અંદાજે 200 કરોડ રૂપિયાની સાયબર ઠગાઈ કરી હતી. આ ગુના હેઠળ કુલ 386 વાર છેતરપિંડીને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે આ સમગ્ર પ્રકરણ બાબતે હ્યુમન સોર્સ તેમજ ટેક્નિકલ એનાલિસિસની મદદથી મોરબી, સુરત, અને સાવરકુંડલા ખાતેથી કુલ 06 આરોપીઓને પકડી પાડ્યા છે. આ આરોપીઓ સાયબર ફ્રોડના નાણાંનું રૂપાંતર કરીને દુબઈમાં બેઠેલા સાયબર ક્રાઇમ સિન્ડિકેટના આરોપીઓને મોકલી આપતા હતા.
આ ગુનામાં આરોપીઓ દ્વારા અલગ-અલગ બેંકોમાં મ્યુલ એકાઉન્ટો ખોલાવવામાં આવતા હતા. સાયબર ક્રાઇમમાં ભોગ બનેલા નાગરિકોના ગુમાવેલા નાણાંને આ મ્યુલ એકાઉન્ટમાં જમા લેવામાં આવતા હતા. નાણાં જમા થયા બાદ તેનું રોકડ અથવા ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરવામાં આવતું હતું. ત્યારબાદ આ નાણાં આંગડિયા અથવા ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન મારફતે દુબઈમાં બેઠેલા સાયબર ક્રાઇમ સિન્ડિકેટના આરોપીઓને મોકલી આપવામાં આવતા હતા. આ રીતે તેઓ પોતાના આર્થિક ફાયદા માટે ભારતના લોકો સાથે છેતરપિંડી કરતા હતા.
12 મોબાઇલ, 2 સીમ કાર્ડ અને 100થી વધુ બેંક એકાઉન્ટની વિગતો મળી
પોલીસે 6 આરોપીઓ પાસેથી મુદ્દામાલ તરીકે 12 મોબાઈલ ફોન અને 2 સીમ કાર્ડ કબ્જે કર્યા છે. આ આરોપીઓના મોબાઇલ ફોન તપાસતા તેમની પાસેથી 100થી વધુ બેંક એકાઉન્ટની વિગતો મળી આવેલી છે. આ વિગતોને સમન્વય પોર્ટલ પર તપાસતા સમગ્ર દેશમાં 386થી વધુ સાયબર ક્રાઇમના ગુના આચરવામાં આવેલા છે, જેમાં અંદાજે 200 કરોડ રૂપિયાની સાયબર ઠગાઇ આ ગેંગ દ્વારા આચરવામાં આવી છે. આ ગુનામાં નોંધાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ગેંગના સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે.
કેવી હતી મોડસ ઓપરેન્ડી
આ કામના આરોપીઓએ આર્થિક લાભ મેળવવા માટે ગુનામાં મદદગારી કરી હતી. તેમની મોડસ ઓપરેન્ડીમાં લખતર એ.પી.એમ.સી.માં પોતાની પેઢી રજીસ્ટર કરીને દુકાન શરૂ કરવાનો સમાવેશ થાય છે. આ દુકાનની આડમાં તેઓએ મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યા હતા અને છેતરપિંડીના રૂપિયા જમા થશે તેવું જાણવા છતાં બેંક ખાતાની વિગતો પૂરી પાડી હતી. પકડાયેલા આરોપીઓમાં મોરબીના મહેન્દ્ર શામજીભાઇ સોલંકી અને રૂપેન પ્રાણજીવનભાઇ ભાટિયા, સુરેન્દ્રનગરના રાકેશભાઇ કાંતીભાઇ લાણિયા અને રાકેશકુમાર ચમનભાઇ દેકાવાડિયા, તેમજ સુરતના વિજય નાથાભાઇ ખાંભલ્યા અને પંકજ બાબુભાઇ કથીરિયાનો સમાવેશ થાય છે.
આ સાયબર ક્રાઇમ સિન્ડિકેટ દ્વારા જુદી-જુદી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમાં ડિજિટલ એરેસ્ટ, ફાઇનાન્સિયલ ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, યુપીઆઈ સંબંધિત ફ્રોડ, ડિપોઝીટ ફ્રોડ, લોન ફ્રોડ, ટાસ્ક ફ્રોડ અને વિશિંગ કોલ ફ્રોડ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓ આ મ્યુલ એકાઉન્ટમાં જમા થતા સાયબર ફ્રોડના નાણાંનું ચેક વિથડ્રોઅલ, એટીએમ વિથડ્રોઅલ, ઓનલાઇન એપ્સ, ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન તથા આંગડિયા મારફતે સગવગે કરતા હતા.

