૯૪ વર્ષ પહેલા શરુ કરવામાં આવેલી વા.સા.હોસ્પિટલમાં ૫૦૦ના બદલે ૨૦૦ પથારી કરવા પરિપત્ર કરાયો

અમદાવાદ,સોમવાર,21
જુલાઈ,2025
અમદાવાદમાં ૯૪ વર્ષ અગાઉ દાતા પરિવારોના રૃપિયા ચાર લાખના
દાનમાંથી શરુ કરવામાં આવેલી શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના બિલ્ડિંગને તોડાઈ રહયુ
છે.બીજી તરફ હોસ્પિટલમાં હાલ ૫૦૦ પથારીથી દર્દીઓની સારવાર કરાય છે તેને બદલે હવે
૨૦૦ પથારી કરવા હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટે પરિપત્ર કર્યો છે. આ ઉપરાંત
સેનીટેશન વિભાગના વર્ગ-ચારમાં ફરજ બજાવતા કર્મચારીઓને તેમની પસંદગીના સ્થળે હાજર
થવા સુપ્રિટેન્ડન્ટને જાણ કરવા સુચના અપાઈ છે.
વી. એસ.હોસ્પિટલ માટે છેલ્લા દસ વર્ષમાં મ્યુનિસિપલ
કોર્પોરેશન તરફથી રુપિયા ૧૭૩૫ કરોડનુ બજેટ મંજુર કરવામાં આવ્યુ હતુ. આ રકમ કયાં
અને કેટલા દર્દીઓ પાછળ ખર્ચ કરાઈ એ અંગે કોઈ વિગત જાહેર કરાતી નથી.હોસ્પિટલના
મેડીકલ સુપ્રિટેન્ડન્ટની સહી સાથે એક પરિપત્ર
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(હોસ્પિટલ) સહીતના સંબંધિતોને મોકલી અપાયો
છે.જેમાં હોસ્પિટલના હયાત તમામ બિલ્ડિંગ પૈકી મર્યાદીત બિલ્ડિંગ અને જગ્યાની ઉપલબ્ધતા
રહેતા સક્ષમ સત્તાના નિર્ણય મુજબ,
૫૦૦ પથારીના બદલે ૨૦૦ પથારી મુજબ સારવાર ચાલુ રાખી શકાય એમ છે.તે મુજબનુ આયોજન
અને અમલીકરણ કરવાની કાર્યવાહી પુરી થવા તરફ છે.આ સંદર્ભમાં હોસ્પિટલની પુરી
સમીક્ષા કર્યા પછી કર્મચારીઓને હંગામી ધોરણે અન્ય સંબંધિત વિભાગમાં ફાળવણી કરવાનુ
યોગ્ય,વ્યાજબી
અને જરૃરી જણાય છે.હોસ્પિટલના સેનીટેશન વિભાગના વર્ગ-ચારમાં ફરજ બજાવતા કર્મચારીઓ
એલ.જી. ઉપરાંત શારદાબહેન હોસ્પિટલ તેમજ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર અને
કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં તેમના ઘરથી નજીક અનુકુળ હોય તેવી જગ્યાએ ફરજ બજાવવા
ઈચ્છુક હોય તેમણે સંમતિ સેનીટેશન સુપ્રિટેન્ડન્ટને ૩૧ જુલાઈ સુધીમાં સુપરત કરવાની
રહેશે.નોંધનીય છે કે.હોસ્પિટલના હયાત જર્જરીત બિલ્ડિંગને તોડી પડાયા પછી નવુ
બિલ્ડિંગ તે સ્થળે બનાવાશે કે કેમ તેવા વિપક્ષના સવાલ સામે સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેન દેવાંગ દાણીએ નવુ યુનિટ બનાવવા વિચારણા કરાશે એમ બોર્ડ બેઠકમાં કહયુ હતુ.
કલીનીકલ રીસર્ચ કૌભાંડમેડીકો લીગલ કેસ કહી પડદો પાડી દેવાયો
વી.એસ.હોસ્પિટલ ખાતે એથીકલ કમિટી નહીં હોવા છતાં રુપિયા
૧૭થી ૧૮ કરોડનું કલીનીકલ રીસર્ચ કૌભાંડ આચરવામા આવ્યુ હતુ. ચાંદખેડાના કોર્પોરેટર
રાજશ્રી કેસરીએ બોર્ડ બેઠકમાં આ કૌભાંડને લઈ કેટલાક સવાલ કર્યા હતા.જેમાં રુપિયા
૧૭થી ૧૮ કરોડનુ કૌભાંડ હોવાનુ તપાસ સમિતિના વચગાળાના રીપોર્ટમાં ડેપ્યુટી
મ્યુનિસિપલ કમિશનર(હોસ્પિટલ) દ્વારા જાહેરાત કરાઈ હતી તો માત્ર ૨.૫ કરોડની રીકવરી
કયા કારણથી કરાઈ એવો સવાલ મ્યુનિસિપલ કમિશનરને કર્યો હતો. હોસ્પિટલના પૂર્વ
સુપ્રિટેન્ડન્ટ મનિષ પટેલ પાસેથી રુપિયા ૩.૫ લાખ, દેવાંગ રાણા પાસેથી રુપિયા ૪૦ લાખ અને ધૈવત શુકલ પાસેથી રુપિયા
૯૦ લાખ વસુલાયા હોવાનુ કોર્પોરેટરનુ કહેવુ છે. વિવિધ ૫૮ ફાર્મા કંપનીઓએ ૫૫૦ જેટલા
કલીનીકલ ટ્રાયલ કર્યા હોવા છતાં કયા કારણથી પોલીસ ફરિયાદ કરાઈ નથી. આ છેતરપિંડીનો
કેસ છે.ત્યારે તેમને જવાબ અપાયો હતો કે આ મેડીકોલીગલ કેસ છે.








