મનપાના કાર્યપાલક ઈજનેર હરિયાણીને અંતે બરતરફ કરવા સ્ટેન્ડિંગનો નિર્ણય
- અધિકારીએ સાલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કામના એગ્રીમેન્ટમાં ચેનચાળા કર્યા હતા
- મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિમાં બે ઠરાવ અધ્યક્ષ સ્થાને મંજૂર કરાયા, કુલ 66 ઠરાવને બહાલી અપાઇ
સ્ટેન્ડિંગ ચેરમેનના અધ્યક્ષસ્થાને આજે સાંજે મહાપાલિકાના હોલ ખાતે સ્ટન્ડિંગ કમિટિની બેઠક મળી હતી,જેમાં જુદા જુદા કામના ૬૪ ઠરાવની સમીક્ષા બાદ તમામને મંજૂર કરાયા હતાં. જો કે, કેટલાક ઠરાવમાં સુધારા કર્યા બાદ મંજૂરી આપવામાં આવી હતી. જયારે, બે ઠરાવ અધ્યક્ષસ્થાનેથી રજૂ કરાયા હતા. જેમાં મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતાં કાર્યપાલક ઈજનેર સંજય એન.હરિયાણી સામે નેગીસી વેસ્ટ એગ્રીમેન્ટના કાગળમાં ચેનચાળા કર્યા હોવાનુ જણાતા તપાસ હાથ ધરી પૂર્વ કમિશનર ઉપાધ્યાયે દોઢેક વર્ષ પૂર્વે સસ્પેન્ડ કર્યાં હતાં. અને ખાતાકીય તપાસનો આદેશ કર્યો હતો. પૂર્વ અધિકારી દેવમુરારીએ તપાસ કરી બે માસ પૂર્વે કમિશનરને અહેવાલ સુપ્રત કર્યો હતો. જેના આધારે આજે મળેલી બેઠકમાં સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર હરિયાણીને અંતે નોકરીમાંથી બરતરફ કરવા નિર્ણય લેવાયો હતો. ઉપરાંત આજની બેઠકમાં ચર્ચાને અંતે જુદા જુદા કામના કુલ ૬૬ ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી અને કામ બાબતે અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ હતી. પાણી સહિતની બાબતે અધિકારીઓએ કકળાટ કર્યો હોવાનું જાણવા મળેલ છે.
મહિલા કોલેજ સર્કલના કામની સમય મર્યાદા ન વધારી
શહેરના મહિલા કોલેજ સર્કલનું કામ સમય મર્યાદામાં પૂર્ણ થયુ ન હતુ તેથી આ કામની સમય મર્યાદા ૩ માસ અને ર૬ દિવસ વધારવા રજૂઆત થઈ હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટિએ સમય મર્યાદા વધારી ન હતી, જયારે આ કામમાં મંજૂર રકમથી રૂા. ૪૦,પ૦,૮ર૬ વધુ ખર્ચ થયો છે તે સહિત ફાઈનલ બીલ ચૂકવવા મંજૂરી આપવામાં આવી હતી.
આર્થિક સ્થિતિ કફોડી છતાં 3 નવા વાહન ખરીદાશે
સ્ડેન્ડિંગ બેઠકમાં પદાધિકારી અને કમિશનર માટે ત્રણ વાહન ખરીદવા માટે અધ્યક્ષ સ્થાને ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં ડેપ્યુટી મેયર, નેતા વિપક્ષ, અને નેતા શાસક વિગેરેના વાહન ર.૦૧ લાખથી લઈ ૩.પ૮ લાખ કિલોમીટર ચાલેલા હોવાથી નવા વાહન ખરીદવા મંજૂરી અપાઈ છે. મહાપાલિકાની આર્થિક હાલત કફોડી છે છતાં નવા વાહન ખરીદવા મંજૂરી આપી હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. ત્રણ ઇનોવા કાર ખરીદવામાં આવશે અને નવી મોટરકાર કોણ વાપરશે ? તે આવ્યા બાદ નક્કી થશે તેમ જાણવા મળેલ છે.
સમયસર કામ કરવા અને ગુણવતા જાળવવા સૂચના અપાઇ
મહાપાલિકામાં મોટાભાગના કામ સમય મર્યાદામાં થતા નથી, જેના કારણે લોકોની પરેશાની વધે છે અને ખર્ચ પણ વધે છે ત્યારે આજે સ્ટેન્ડિંગ ચેરમેને તમામ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે અંગે કાર્યવાહી કરવા અને આ માટે કમિશનર દ્વારા પરિપત્ર કરવા સૂચના આપી હતી.જયારે કામોમાં ગુણવતામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં તેમ જણાવ્યુ હતું. કેટલાક વિભાગના અધિકારીઓને કામ બાબતે ઠપકો આપવામાં આવ્યો હોવાની ચર્ચા સાંભળવા મળી હતી.