સુરત પાલિકાની સ્થાયી સમિતિએ સુઓમોટો ઠરાવ કરી અડધા ઇંચ સુધીના કનેક્શનને વોટર મીટર બીલમાંથી મુક્તિ આપવા નિર્ણય કર્યો
Surat Corporation : સુરત પાલિકાની ચૂંટણી પહેલાં ભાજપ શાસકોએ કરેલો નિર્ણય લોકો માટે ફાયદાકારક બની જશે. સુરત પાલિકાની સ્થાયી સમિતિએ આજે સુઓમોટો ઠરાવ કરીને અડધા ઇંચ સુધીના નળ જોડાણમાં વોટર મીટર બિલમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે. વોટર મીટર મુદ્દે વિપક્ષનું વલણ અને લોકોનું રૂખ પારખી શાસકોએ આજે મોટી જાહેરાત કરી દીધી છે. સ્થાયી સમિતિએ આજે કરેલો નિર્ણય આવતીકાલની સામાન્ય સભામાં રજુ કરી મંજુર કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
સુરત પાલિકાએ શરૂ કરેલી 24 કલાક પાણીની યોજના અને મીટરથી પાણી આપવાની યોજનામાં એજન્સીની નબળી કામગીરીને કારણે એક બે વર્ષ સુધી બિલ ન આવ્યા હતા અને તેના કારણે લોકોમાં ભારે રોષ ઉભો થયો હતો. લોકોએ એવી માંગણી કરી હતી કે જ્યાં સુધી આખા શહેરમાં મીટર ન લાગે ત્યાં સુધી જ્યાં મીટર લાગ્યા છે તેમની પાસે બિલ વસુલવામાં નહીં આવે. આ મુદ્દે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેનો સીધો ફાયદો વિપક્ષ હાલ ઉઠાવી રહી છે.
જોકે, વોટર મીટર મુદ્દે સ્થાયી સમિતિ અધ્યક્ષે બજેટની જાહેરાત થઈ ત્યારે જ અડધા ઈંચ સુધીના જોડાણ માટે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવો મત રજૂ કર્યો હતો જે અંગે આજે સ્થાયી સમિતિએ સુઓમોટો ઠરાવ કર્યો છે. સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, 12 જુલાઈએ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં થયેલી બેઠકમાં વોટર મીટર અંગે કેટલીક મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. તેને અનુસંધાને આજે સ્થાયી સમિતિએ ઠરાવ કર્યો છે.
વધુમાં તેઓએ કહ્યું હતું, 24 કલાક પાણી-પુરવઠો મેળવતા અડધા ઇંચ સુધીના કનેકશનો પર વોટર મીટર ફીટ કરાયા છે. જયારે ભવિષ્યમાં સમગ્ર શહેરમાં તબક્કાવાર 24 કલાક પાણી-પુરવઠો આપવાની પાલિકાની યોજનાના ભાગરૂપે અડધા ઇંચ સુધીના તમામ નવા કનેકશનો પર પણ વોટર મીટર ફીટ કરાશે. વોટર મીટર બીલ ઈશ્યૂ કરાશે નહીં. એટલું જ નહીં, વોટર મીટરનો ચાર્જ પણ અડધા ઇંચ સુધીના કનેકશન ધારકો પાસે વસૂલવામાં આવશે નહીં. સ્થાયી સમિતિના નિર્ણયથી અડધા ઇંચ સુધીના અંદાજે 28,000થી વધુ કનેકશન ધારકોને વોટર મીટર બીલ માંથી હવેથી મુક્તિ મળશે અને તેમને પંદરેક કરોડ રૂપિયાનો ફાયદો થશે.
આ ઉપરાંત પહેલાં કુટુંબ દિઠ મહિને 20 હજાર લિટરની મર્યાદા હતી તે વધારીને 40 હજાર લિટરની કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આથી ઉપર વપરાશ થશે તો દર એક હજાર લીટરે 8.50 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવશે.
ભાજપે ભલે ચૂંટણી લક્ષી નિર્ણય કર્યો છે પરંતુ તેનાથી સુરતની પ્રજાને મોટો લાભ થશે અને જે વિવાદ હતો તેના પર પૂર્ણવિરામ મુકાઈ જશે.
પાણી બિલમાં વ્યાજ માફીની મુદતમાં વધારો
સુરત પાલિકાની 24 કલાક પાણી મીટરથી આપવાની યોજના શરૂ થઈ ત્યારથી વિવાદ ચાલી રહ્યો છે. સ્થાયી સમિતિએ હાલ નિવેડો કર્યો છે પરંતુ ભૂતકાળમાં અપાયેલા બિલની રકમમાં વ્યાજ અને પેનલ્ટી કરવામાં આવી હતી. પરંતુ આજે કરેલા નિર્ણય બાદ વ્યાજ અને પેનલ્ટી માફ કરવામાં આવી છે અને માત્ર મુદલ જ ભરવાના રહેશે. આ પહેલાં સ્થાયી સમિતિએ 30 જૂન સુધી વ્યાજ માફી યોજના જાહેર કરી હતી. પરંતુ આજે સ્થાયી સમિતિએ તે મુદતમાં પણ વધારો કર્યો છે અને વ્યાજ માફી માટેની તારીખ લંબાવીને 31 માર્ચ 2026 સુધીની કરી દીધી છે.
વોટર મીટર અંગે સ્થાયી સમિતિના નિર્ણય સાથે સાથે
- ભવિષ્યના ડ્રેનેજ નેટવર્કના આયોજન માટે અડધા ઇંચ સુધીના કનેકશનો પર વાસ્તવિક વપરાશ જાણવા મફત વોટર મીટર ઇન્સ્ટોલ કરશે
- અડધા ઇંચ સુધીના કનેકશનો પર હવે વોટર મીટર બીલનું ભારણ નહીં આવે
- અડધા ઇંચ સુધીના અંદાજે 28,000થી વધુ કનેકશન ધારકોને વોટર મીટર બીલમાંથી હવેથી મુક્તિ મળશે
- અડધા ઇંચ સુધીના કનેકશનો ધારકોને અંદાજે 15 કરોડ જેટલી રાહત મળશે.
- નાણાકીય વર્ષ 2025-26 સુધીના વોટર મીટર બીલમાં સમાવિષ્ટ એરિયા બેઝ વોટર ચાર્જની બાકી રકમ (ફકત મુદ્દલ) આગામી નાણાકીય વર્ષ 2026-27ના મિલકતવેરા બીલમાં આમેજ કરાશે. 31 માર્ચ,2026 સુધી બાકી બીલની ચૂકવણી પર વ્યાજ, પેનલ્ટીમાં 100 ટકા માફી
- કુટુંબ દીઠ પાણી-પુરવઠાની લિમિટ 20,000 લિટરથી વધારી 40,000 લિટર કરવામાં આવી
- હવે પછી 40,000 લિટર કરતા વધુ પાણીના વપરાશના કિસ્સામાં 8.50 લેખે પ્રતિ કિલો લિટર ચાર્જ વસૂલ કરાશે.
- નાણાકીય વર્ષ 2025-26 સુધીના વોટર મીટર બીલમાં સમાવિષ્ટ એરિયા બેઝ વોટર ચાર્જ બાકી રકમ (ફકત મુદ્દલ) આગામી નાણાકીય વર્ષ 2026-27ના મિલકતવેરા બીલમાં આમ જ કરાશે.