સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર અમલી બનાવાશે , અમદાવાદમાં રેડી મિકસ કોંક્રીટ પ્લાન્ટ અંગે મંજૂરી લેવી પડશે

અમદાવાદ,સોમવાર,15 સપ્ટેમબર,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રેડી મિકસ કોંક્રીટ
પ્લાન્ટને લઈ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પોલીસી તૈયાર કરી છે. તૈયાર કરવામા આવેલી ડ્રાફટ
પોલીસીના અમલ અગાઉ કોર્પોરેશન તરફથી લોકો પાસેથી વાંધા-સુચન મંગાવવામા આવ્યા છે.
શહેરમાં રેડી મિકસ કોંક્રીટ પ્લાન્ટ અંગે કોર્પોરેશનની મંજૂરી લેવી પડશે.લાઈસન્સ
ટુ યુઝ સર્ટીફિકેટ માટે રુપિયા ૨૫ હજાર ફી કોર્પોરેશનમાં અરજી કરતી વખતે જમા
કરાવવાની રહેશે.
રેડી મિકસ કોંક્રીટ પ્લાન્ટ ઓન સાઈટ અને ઓફ સાઈટ એમ બે
પ્રકારે ઉપયોગમાં લેવામાં આવે છે.ફકત જે તે સાઈટ-પ્રોજેકટના બાંધકામના ઉપયોગના
હેતુ માટે બનાવવામા આવે છે અને જેનો ઉપયોગ
કોઈ વાણિજય પ્રવૃત્તિના હેતુથી કરવામા આવે નહીં આવા પ્રકારના પ્લાન્ટ સક્ષમ સત્તા
દ્વારા મંજૂર થયેલ બાંધકામ,
ઈન્ફ્રા સ્ટ્રકચર પ્રોજેકટ સંદર્ભમાં સંબંધિત પ્રોજેકટની જમીનમા મળવાપાત્ર
રહેશે.વાણિજય વેચાણ સપ્લાયના હેતુથી
બનાવવામા આવે છે તે નિયત યુઝ ઝોનવાળી જમીનમા જ મળવાપાત્ર રહેશે.ઓનસાઈટ કોંક્રીટ
પ્લાન્ટના કિસ્સામા એસ.ઓ.પી. પ્રસિધ્ધ થયાના ૬૦ દિવસમાં કોર્પોરેશનની સંબંધિત ઝોનલ કચેરીમા અરજદારે
અરજી કરવાની રહેશે.
એસ.ઓ.પી.માં કરાયેલી મહત્વની જોગવાઈ કઈ-કઈ
૧.૬૦ દિવસમાં અરજી નહીં કરાય અને જો બાંધકામના સ્થળે
પ્લાન્ટ કાર્યરત હોવાનુ માલૂમ પડશે તો રોજના રુપિયા એક હજાર પેનલ્ટી કરવામા
આવશે.જરુર જણાશે તો પ્લાન્ટ સીલ કરાશે.
૨.ટી.પી.રસ્તાને નુકસાન થશે તો તેવા કિસ્સામાં પ્લાન્ટ
ધારકે સ્વ ખર્ચે રસ્તાનુ સમારકામ કરાવવુ પડશે.
૩.કોર્પોરેશનને રસ્તાનુ રીપેરીંગ કરવુ પડશે તેવા કિસ્સામાં
ખર્ચ અને વહીવટી ફી અરજદાર લાઈસન્સ ધારક પાસેથી વસૂલ કરવામા આવશે.
૪.લાઈસન્સ ટુ યુઝ સર્ટિફિકેટની મહત્તમ સમયમર્યાદા જે તે
પ્રોજેકટ માટે મેળવેલ વિકાસ પરવાનગી,રજા
ચિઠ્ઠીની મુદત સુધી અથવા બી.યુ.પરમીશન મળે ત્યાં સુધીની, બંનેમાંથી
ઓછી હશે તે મુજબ મળવાપાત્ર રહેશે.
૫. એર કવોલીટી મોનીટરીંગ સેન્સર,હાઈ રીઝોલ્યુએશન
વાળા સર્વેલન્સ કેમેરા,એન્ટી
સ્મોગ ગન, મિસ્ટ
મશીન લગાવવા પડશે.
લાઈસન્સ વગરનો પ્લાન્ટ સીલ કરી એક લાખ સુધીની પેનલ્ટી કરાશે
જો કોઈ કિસ્સામા કોર્પોરેશનનુ લાઈસન્સ મેળવ્યા સિવાય
પ્લાન્ટ ચાલતો હશે તેવુ ધ્યાનમાં આવશે તો પ્લાન્ટ સીલ કરી એક લાખ રુપિયા સુધીની
પેનલ્ટી કરાશે.લાઈસન્સ ટુ યુઝ સર્ટિફીકેટમાં સુચવેલ કોઈ પણ શરત ભંગ થવાના
કિસ્સામાં દિવસ દીઠ રુપિયા દસ હજાર દંડ વસૂલ કરવામા આવશે.
પ્લાન્ટમાંથી બહાર નીકળતા તમામ વાહનના ટાયર વોશ કર્યા પછી જ
કાઢવાના રહેશે
વપરાશકર્તા દ્વારા પ્લાન્ટમાંથી નીકળતા તમામ વાહનના ટાયર
વોશ કર્યા પછી જ પ્લાન્ટની બહાર કાઢવાના રહેશે.વોશ આઉટ કરેલ પાણી પ્લાન્ટની બહાર
ના નીકળે તેની ખાસ તકેદારી રાખવી પડશે.પ્લાન્ટની તમામ બાજુએથી ઓછામા ઓછી પાંચ મીટર
ઉંચાઈનુ બેરીકેડીંગ કરી પતરાં લગાવી બંધ કરવો પડશે.ટ્રાન્ઝિટ મિક્ક્ષચર,ડમ્પર,ટ્રક વગેરે માટે
પ્લાન્ટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે.








