ટ્રકમાં ભરેલા સિલિન્ડરોમાંથી ગેસ લિકેજ થતા અફરાતફરી
ઉમરેઠના પરવટા ગામ પાસે
એક તરફનો રસ્તો બંધ કરાયો : ફાયર બ્રિગેડ સહિતની ટીમે લિકેજ બંધ કર્યું
આણંદ: આણંદ જિલ્લામાં સીએનજી અને ઘરેલુ ગેસ સપ્લાય કરતી ચરોતર ગેસ મંડળીની ટ્રકમાં ભરેલા ગેસ સિલિન્ડરોમાંથી ઉમરેઠના પરવડા ગામ પાસે ગેસ લિકેજ થતા અફરાતફરી સર્જાઈ હતી. તકેદારી માટે એક તરફનો રસ્તો વાહવ્યવહાર માટે બંધ કરી ગેસ લિકેજ બંધ કરાયું હતું.
ઉમરેઠ તાલુકાના પરવટા ગામ નજીક ચરોતર ગેસના સિલિન્ડર ભરી જતી ટ્રકમાંથી ગેસ લીકેજ થતા ધૂમાડાના ગોટા ઉડવાના શરૂ થયા હતા. ટ્રકને એક તરફ પાર્ક કરી સાવચેતીના પગલાંરૂપે એક બાજુનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. ગેસ લિકેજ થતા વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. જાણ થતા ઉમરેઠ ફાયરબ્રિગેડ તથા ચરોતર ગેસ મંડળીની ટીમે ઘટના સ્થળે પહોંચી ગેસ લિકેજ બંધ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ શહેરમાં પણ ચરોતર ગેસ મંડળી દ્વારા ઘર વપરાશના ગેસ સપ્લાય કરવામાં આવે છે. ત્યારે ગત છેલ્લા છ મહિનામાં મહાનગરપાલિકા દ્વારા પાણી, ગટર લાઈનો માટે કે અન્ય ખોદકામ થતા ગેસ લિકેજ થયો હોવાની અને આગ લાગી હોવાના પણ કેટલાય બનાવો થવા પામ્યા હતા.