Gujarat

મહુધા તાલુકા પંચાયત કચેરીમાં પોપડાં ખરતાં નાસભાગ મચી

By GS TEAM
23 Jun 20251 min read
મહુધા તાલુકા પંચાયત કચેરીમાં પોપડાં ખરતાં નાસભાગ મચી

- બહારથી રંગરોગાનવાળું બિલ્ડિંગ અંદરથી જર્જરિત

- ટેબલ અને ખુરશીઓ પર કાટમાળ ખરીને પડતા કર્મચારીઓનો આબાદ બચાવ : સમારકામની માંગ

નડિયાદ : મહુધા તાલુકા પંચાયતના બિલ્ડિંગમાં આઈઆરડી વિભાગમાં ગત રોજ ચાલુ કામકાજ સમયે છત પરથી પોપડા પડયા હતા. સદનસીબે કર્મચારીઓ હાજર હોવા છતાં જાનહાનિ થઈ ન હતી. ટેબલ- ખુરશીઓ પર કાટમાળ પડતાં ભયના માહોલ વચ્ચે નાસભાગ મચી હતી.

મહુધા તાલુકા પંચાયતની ઇમારતનું આંતરિક સ્ટ્રક્ચર અત્યંત નબળું થઈ ગયું છે. અંદરની દીવાલો અને છત પર તિરાડો અને પોપડા દેખાઈ રહ્યા છે. 

બહારથી ભલે આ બિલ્ડીંગને રંગરોગાન કરીને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરાયો હોય, પરંતુ અંદરથી તે સંપૂર્ણપણે જર્જરિત થઈ ગઈ છે. મહુધા તાલુકા પંચાયતમાં ગતરોજ ચાલુ કામકાજ દરમિયાન છત પરથી પોપડા ખરી પડયા હતા. કર્મચારીઓ ત્યાં હાજર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 

અત્રે આઈ.આર.ડી. વિભાગમાં સરકારી કર્મચારીઓ હાજર હતા, તે વખતે ટેબલ-ખુરશીઓ પર પોપડા પડયા હતા. સરકારી બાબુઓ જ્યાં બેસીને લોકોના કામ કરે છે, તે જ ઇમારત જો આટલી જર્જરિત હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું? મહુધા તાલુકા પંચાયતની ઇમારતના સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની તપાસ કરાવી યોગ્ય સમારકામ કરાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે.