Gujarat

ડાકોર સબડિસ્ટ્રીક હોસ્પિટલમાં પંખો ફાયર સેફ્ટીની પાઈપને અથડાતા નાસભાગ

By GS TEAM
16 Jun 20252 mins read
ડાકોર સબડિસ્ટ્રીક હોસ્પિટલમાં પંખો ફાયર સેફ્ટીની પાઈપને અથડાતા નાસભાગ

- ત્રીજા માળે પુરૂષના જનરલ વોર્ડમાં ઘટના બની

- ધડાકો થતા 15 દર્દીઓ ભાગ્યા, વોર્ડમાં પાણી ફરી વળ્યું, બેડ પલળી ગયા, દર્દીઓનું અન્ય વોર્ડમાં સ્થળાંતર : હોસ્પિટલના દરેક વોર્ડમાં પંખા પાઈપ સાથે ટકરાય તેવી સ્થિતિથી કામગીરી સામે સવાલો 

ડાકોર : ડાકોર સબડિસ્ટ્રીક હોસ્પિટલમાં શનિવારે મોડી સાંજે ભારે પવનના કારણે ત્રીજા માળે વોર્ડમાં પંખો ફાયર સેફ્ટીની પાઈપને ધડાકા સાથે અથડાતા દર્દીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. વોર્ડમાં પાણી ફરી વળવા સાથે બેડ પણ પલળી ગયા હતા. બાદમાં ૧૫ જેટલા દર્દીઓને અન્ય વોર્ડમાં સ્થળાંતરિત કરાયા હતા. હોસ્પિટલમાં દરેક વોર્ડમાં પંખા સાથે ટકરાય શકે તે રીતેની ફાયરની લાઈનો નંખાતા કામગીરી સામે સવાલો ઉઠયા છે.

ડાકોરમાં શનિવારે સાંજે વાવાઝોડું ફૂંકાયું હતું. ત્યારે ડાકોર સબડિસ્ટ્રીક હોસ્પિટલમાં ત્રીજા માળે આવેલા પુરૂષોના જનરલ વોર્ડમાં ભારે પવનના કારણે છત ઉપર લટકતો પંખો હાલક- ડૉલક થવા લાગ્યો હતો. 

પંખાનું પાખિયું ફાયર સેફ્ટીની પાઈપને ધડાકા સાથે અથડાયું હતું. જોરદાર અવાજ આવતા વોર્ડમાં રહેલા ૧૫ જેટલા ઈન્ડોર પેશન્ટ્સ ગભરાઈને બૂમાબૂમ સાથે નાસભાગ કરવા લાગ્યા હતા. બીજી તરફ પાખિયું ભટકાતા ફાયર સેફ્ટીની પાઈપ તૂટી જતા લિકેજથી પાણી વોર્ડમાં વહેવા લાગ્યું હતું. વોર્ડમાં બેડ પલળી જવા સાથે ખાબોચિયું ભરાઈ ગયું હતું. દર્દીઓએ બૂમાબૂમ કરી મૂકતા સ્ટાફ ત્રીજા માળે દોડી આવ્યો હતો. 

બાદમાં વોર્ડના દર્દીઓને ત્રીજા માળે જ બાજુમાં આવેલા અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે દોડી આવેલા હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે ઘટનાને સામાન્ય ગણી નજરઅંદાઝ કરી હોવાનો આક્ષેપ દર્દીઓ કરી રહ્યા છે.

ડાકોર સબડિસ્ટ્રીક હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ તુપ્તિબેન શાહે જણાવ્યું હતું કે, અલગ અલગ એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું છે, ઘટના બાબતે નડિયાદ પીઆઈયુવાળાને લેટર કરવાનો છે.

ડાકોર હોસ્પિટલના દર્દીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, પંખાની નીચે કે બરોબર પાસે ફાયર સેફેટીની લાઈનની સમસ્યા સમગ્ર હોસ્પિટલના તમામ વોર્ડમાં છે. 

હોસ્પિટલના બાંધકામ વખતે એજન્સીના કામ અંગે ઘણી ફરિયાદો ઉઠી હતી પરંતુ, ડાકોરના આગેવાનોને સાથે રાખી સુપ્રિટેન્ડન્ટે યેનકેન પ્રકારે દબાવી દીધી હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે જો પંખો જ કડીમાંથી નીકળીને પડયો હોત તો દર્દીનું શું તેવા સવાલો સાથે ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ કરાય તેવી માંગણી ઉઠી છે.