વાસી કેરી, રસ, મીઠાઇ, ડ્રાઇફૂટસ, ચીઝ, લસ્સી અને છાશનો નાશ કરાયો
માંજલપુર અને સયાજીગંજમાં દુકાન બંધ કરાવી : મીઠાઇની દુકાનમાંથી ૨ કિલો કલર મળ્યો
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મોબાઇલ ટેસ્ટીંગ વાન (ફૂડ સેફટી ઓન વ્હીલ્સ) દ્વારા ડેરી નજીક મીઠાઇ-ફરસાણની દુકાન પર મીઠાઇ, માવો, ચીઝ, તેલ વગેરે જેવા ખાદ્યપદાર્થોના ૩૪ નમૂના સ્થળ પર ચકાસ્યા હતા.
રસમંગલ સ્વીટ એન્ડ ફરસાણની દુકાનમાંથી જુદા જુદા કલર પાવડર મળી આવતા આશરે ૨ કિલો પાવડર કલરનો નાશ કરાયો હતો. બજરંગ સ્વીટ એન્ડ ફરસાણમાંથી ૧૫ કિલો તળેલા તેલનો નાશ કરાયો હતો. અગ્રવાલ મિલ્ક એન્ડ સ્વીટ સેન્ટરમાંથી એક્સપાયરી થયેલ ૫ કિલો ચીઝ, ૨ કિલો ડ્રાયફૂટ્સ, વાસી ૭ કિલો કેરીનો રસ અને વાસી ૬.૫ કિલો વિવિધ પ્રકારની મીઠાઇનો નાશ કરવામાં આવ્યો હતો. માંજલપુર વિસ્તારમાં ગાયત્રી ખમણ નામની દુકાનમાંથી બેસન અને તેલના નમૂના લીધા હતા, ત્યાં સ્વચ્છતાનો અભાવ જણાતા નોટિસ અપાઇ હતી, અને દુકાન બંધ કરવામાં આવી હતી. આ દુકાનમાંથી સાબુદાણાના વડા, કોપરાપેટીસ, કટલેસ, લસ્સી અને છાશ અનહાઇજેનિક જણાતા આઠ કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ૧૦ કિલો તળેલા તેલનો જથ્થો નાશ કર્યો હતો. ગોત્રીમાં ઉમા સ્વીટ એન્ડ ફરસાણ નામની દુકાનમાં કેસર પેંડા અને કાજુકતરી વિથ સિલ્વર લિફ્ટ મીઠાઇના નમૂના લીધા હતા. સયાજીગંજ વિસ્તારમાં કિરણ ઓઇલ ડેપોમાંથી પામોલીન તેલનો નમૂનો લીધો હતો. દુકાનમાં સ્વચ્છતા નહીં જણાતા દુકાન બંધ કરવામાં આવી હતી.