Gujarat

નર્સિંગ સુપ્રિટેન્ડન્ટની હેરાનગતિના લીધે સ્ટાફનર્સની આત્મવિલોપનની ચિમકી

By GS TEAM
21 May 20262 mins read
નર્સિંગ સુપ્રિટેન્ડન્ટની હેરાનગતિના લીધે સ્ટાફનર્સની આત્મવિલોપનની ચિમકી

સર ટી.હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ફરી વિવાદમાં

માનિતા સ્ટાફને સારા વોર્ડની ફાળવણી અને સ્ટાફની અછત ઉભી કરવાના નનામી અરજીમાં આક્ષેપ, આત્મવિલોપનની ચિમકી

ભાવનગરસર ટી.હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન ફરી વિવાદમાં આવ્યા છે. હોસ્પિટલના નવનિયુક્ત નર્સિંગ સુપ્રિટેન્ડન્ટે તાજેતરમાં વોર્ડના નર્સિંગ સ્ટાફની આંતરિક બદલીઓ કરી હતી. જેમાં માનિત સ્ટાફને સારા વોર્ડમાં મુકી ભેદભાવ તથા સ્ટાફની અછત ઉભી કરવામાં આવે છે. તેમજ માનસિક રીતે હેરાન કરવામાં આવતી હોવાની નનામી અરજી સ્ટાફ નર્સ દ્વારા હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને કરવામાં આવી છે અને જો કોઈ કાર્યવાહી નહી થાય તો આત્મવિલોપનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આશરે એકાદ વર્ષ પહેલા સર ટી.હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટના અન્યાયી વલણ સામે નર્સિંગ સ્ટાફે બળવો પોકાર્યો હતો અને તે પછી હોસ્પિટલના ત્રણ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટની અન્ય જગ્યાએ બદલી કરી દેવામાં આવી હતી. જે બાદ તેમના સ્થાને નવા નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ મુકવામાં આવ્યા હતા જે ફરી વિવાદમાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે તાજેતરમાં સર ટી.હોસ્પિટલમાં નવનિયુક્ત નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સામે સ્ટાફ નર્સ દ્વારા એક નનામી અરજી કરવામાં આવી છે. જેમાં નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ દ્વારા વોર્ડના નર્સિંગ સ્ટાફની આંતરિક બદલી કરવામાં આવી જેમાં તેમના અંગત સ્ટાફને સાચવી લેવામાં આવ્યા હતા. તેમજ વર્ષો સુધી એક જગ્યાએ રહેલા માનિતા અને રાજકીય ભલામણ અને વગ ધરાવતા સ્ટાફને ઉંણી આંચ આવવા દીધી નથી. તેમજ નર્સિંગ કોલેજ ખાતે પ્રતિનિયુક્તિ મુકવામાં આવતા સ્ટાફમાં પણ માનિતાઓને મુકવામાં આવતા હોવાની આક્ષેપ થયાં છે. વધુમાં હોસ્પિટલમાં બે ઈન્ફેક્શન કંટ્રોલ નર્સની જરૃરિયાત સામે પાંચ-પાંચ ઈન્ફેક્શન કંટ્રોલ નર્સને બેસાડી સ્ટાફની અછત ઉભી કરી અન્ય સ્ટાફને હેરાન કરવામાં આવતા હોવાના સનસનીખેજ આરોપ નનામી અરજીમાં કરવામાં આવ્યા છે. સાથે જ જો કોઈ પગલાં નહી ભરવામાં આવે તો આત્મવિલોપનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

પાંચ સભ્યોની કમિટિએ સુપ્રિટેન્ડન્ટ અને સ્ટાફના નિવેદનો લીધાં

નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સામે થયેલી નનામિ અરજીની ગંભીરતાને ધ્યાને લઈ હોસ્પિટલના તબીબી અધિક્ષકે પાંચ સભ્યોની એક તપાસ કમિટિ બનાવી છે. જે કમિટિએ ત્રણેય નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ અને જે નર્સિંગ સ્ટાફ સામે આક્ષેપો થયાં છે તેમના બંધ બારણે નિવેદન લીધાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.