Get The App

સ્ટે. ચેરમેને વીજ કચેરીમાં મધરાત્રે બેફામ શબ્દ પ્રયોગ કરી અધિકારીઓને તતડાવ્યા

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
સ્ટે. ચેરમેને વીજ કચેરીમાં મધરાત્રે બેફામ શબ્દ પ્રયોગ કરી અધિકારીઓને તતડાવ્યા 1 - image


બાપુજીની પેઢી સમજો છો? તમારાં ઘરના કનેક્શન કાપી નાંખીશ : વોર્ડ નં.2માં વીજ ધાંધિયાના મુદ્દે મધરાત્રે કચેરીએ વીડિયોગ્રાફર સાથે ધસી ગયાઃ  PGVCL સામે ઉગ્ર લોકરોષ સાથે નેતાનાં વલણથી વીજકર્મીઓમાં નારાજગીં

 રાજકોટ, : પશ્ચિમ ગુજરાત વીજ કું ા.લીની રાજકોટ સ્થિત જામટાવર કચેરીએ ગઈકાલે રાત્રિનાં રાજકોટ મ્યુ. કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે વીજધાંધીયાથી કંટાળેલા લોકોના પ્રશ્ને ધસી જઈ ઈજનેરો સાથે એલફેલ ભાષામાં વાત કરી ધમકાવ્યા હતાં. બાપુજીની પેઢી છે હું તમારા વીજકનેકશનો કપાવી નાખીશ તેવી ધમકી ભરી ભાષામાં વાત કરી વીજપુરવઠો હવે નહી ખોરવાય તેવી ખાત્રી દબાણપૂર્વક લખાવી લીધી હોવાની વિગતો સાથે આ મુદ્દે પીજીવીસીએલના એમડીને રજૂઆત કરવામાં આવનાર હોવાનું ઈજનેરોએ જણાવ્યું હતું.

અહીના જામટાવર સબ ડિવિઝન હેઠળના સુભાષનગર, નહેરૂનગર રેસકોર્સ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી રાત્રિ દરમિયાન કલાકો સુધી વીજપુરવઠો ખોરવાતા ગઈકાલે રાત્રિનાં રાજકોટ મ્યુ. કોર્પો.નાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર સ્થાનિક લોકો અને વીડિયો ગ્રાફર સાથે જામટાવર કચેરીએ ધસી જઈ ધબધબાટી બોલાવી હતી. તેઓએ ઈજનેરોને ખખડાવીને જણાવ્યું હતું આ કોઈ બાપુજીની પેઢી છે હું તમારા બધાના ઘેર વીજ કનકેશન કપાવી નાખીશ, એમડીનું કનેકશન પણ કપાવીશ તેમ કહી ધમકાવ્યા હતાં. આ મુદ્દે રાત્રિ દરમિયાન સબ ડિવિઝનના એન્જીનીયરોએ સીટીના એકઝીક્યુટીવ ઈજનેરને જાણ કરતા તેઓ પણ જામટાવર કચેરીએ આવી પહોંચ્યા હતાં. અહી ઈજનેરો પાસે જબરજસ્તીથી હવે વીજપુરવઠો નહી ખોરવાય તેવું લખાણ પણ દબામપુર્વક લખાવવામાં આવ્યું હોવાનું ઈજનેરોએ જણાવી આ પ્રકારની રાજકીય આગેવાનની દાદાગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. વીજતંત્રના ઈજનેરોએ આ ઘટનાના વિરોધમાં આજે એકત્ર થઈ આ મુદ્દે પીજીવીસીએલનાં એમડીને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો.

દરમિયાન ઈજનેરોએ જણાવ્યું હતું કે ગત તા.૨૬મેને સોમવારથી ઈન્કમટેકસ ફિડરમાં સળંગ ચાર દિવસ સુધી વીજ ફોલ્ટ સર્જાતા લોકો રાત્રિ દરમિયાન કલાકો સુધી હેરાન થતા રહ્યાં હતાં. રાત્રે વીજફોલ્ટ રીપેર ક રવા અને ચેન્જ ઓવર કરવાનાં પ્રયત્નો છતાં રાત્રિ દરમિયાન વીજ ફોલ્ટ સર્જાતા સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતાં. અલબત આ મુદ્દે સૌજન્યપૂર્વક રજૂઆતને બદલે ધમકીની ભાષામાં રાત્રિ દરમિયાન ધબધબાટી બોલાવવામાં આવતાં આ મુદ્દો આજે ઈજનેરોમાં ચર્ચાસ્પદ બની રહ્યો હતો.

Tags :