એસ.ટી. બસની અડફેટે બાઇક પરથી ફંગોળાયેલા યુવક પર પૈડાં ફરી વળતા મોત
- દાહોદના મુવાલિયા ક્રોસિંગ પાસે
- ગલાલિયાવાડા વિસ્તારનો યુવક બાઇક પર દૂધના કેન લઇ જઇ રહ્યો હતો
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ વિસ્તારમાં ગારી ફળિયામાં રહેતાં વિજય ગારી આજે સવારે બાઇક લઈ તેની ઉપર દુધની કેન લઈ દાહોદમાંથી પસાર થતાં મુવાલીયા ક્રોસિંગ પરથી પસાર થઈ રહ્યા હતા.તે સમયે પસાર થતી વડોદરા-દાહોદ એસટી બસના ચાલકે વિજય ગારીની બાઇકને ટક્કર મારતાં વિજય ભાઈ જમીન પર ફંગોળાતા તેમની ઉપર એસટી બસના તોતિંગ ટાયરો ફરી વળતાં વિજયભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડયાં હતાં.
આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં ૧૦૮ સેવા સાથે ઘટના સ્થળ પર આવી તબીબે વિજયભાઈ ગારીની ઘટના સ્થળ પર તબીબી તપાસ કરતાં વિજયભાઈ ગારીને ઘટના સ્થળ પર મોત થયુ હતુ.દાહોદ શહેરમાં એસટી બસના ચાલકો પુરઝડપે એસટી બસો હંકારતાં હોવાની પણ છડેચોક લોકોની ફરિયાદો ઉઠી રહી છે.આજે યુવકે પોતાનો જીવ ગુમાવતાં દાહોદ શહેરવાસીઓમાં એસટી વિભાગ સામે રોષ જોવા મળ્યો છે.સ્થાનીક પાલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.